કેન્સરને લડત આપીને હરાવનારા યુવરાજસિંહે સંન્યાસનું એલાન કર્યું

Spread the love

એક સમયના સ્ટાર બેટ્સમેન અને કેન્સરને લડત આપીને હરાવનારા યુવરાજસિંહે આખરે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આજે એક પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજે પોતે તમામ ફોર્મેટના ક્રિકેટમાંથી રિટાયર્ડ થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. મહત્વનું છે કે, યુવરાજ ખાસ્સા સમયથી આઉટ ઓફ ફોર્મ હતો, અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તે લાંબા સમયથી બહાર હતો. આ વખતની વર્લ્ડકપની ટીમમાં પણ યુવરાજનો સમાવેશ નહોતો થયો.

આજે નિવૃત્તિની જાહેરાત સાથે જ યુવરાજની 19 વર્ષ લાંબી ઈન્ટરનેશનલ ક્રિકેટની કારકિર્દીનો અંત આવ્યો છે. યુવરાજ ભારત તરફથી બે વર્લ્ડકપ રમી ચૂક્યો છે. રિટાયર્મેન્ટ જાહેર કરતા યુવરાજે કહ્યું હતું કે, છેલ્લા 17 વર્ષથી હું આંતરરા્ટ્રીય ક્રિકેટમાં હતો, પરંતુ હવે તેને સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. પોતાના સમયને શ્રેષ્ઠ ગણાવતા યુવરાજે કહ્યું હતું કે, તેનો અંત તો આવવાનો જ હતો.

37 વર્ષનો યુવરાજ 402 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. પોતાની તોફાની બેટિંગ માટે જાણીતો યુવરાજ 40 ટેસ્ટ અને 304 ટેસ્ટ તેમજ 58 ટી-20 ભારત તરફથી રમ્યો છે. પોતાની કરિયરની શરુઆત તેણે માત્ર 18 વર્ષની ઉંમરમાં વર્ષ 2000માં કરી હતી. કરિયરની બીજી જ આંતરરાષ્ટ્રયી મેચમાં તેણે ઓસ્ટ્રેલિયા સામે ધમાકેદાર બેટિંગ કરી હતી. યુવરાજ ટૂંક જ સમયમાં ભારતની મિડલ ઓર્ડર બેટિંગનો મજબૂત સ્તંભ બની ગયો હતો.

યુવરાજ હજુય ટી-20માં ફાસ્ટેસ્ટ 50 રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે, તેણે 2007ના ટી-20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં માત્ર 17 બોલમાં 50 રન ફટકાર્યા હતા. આ જ મેચમાં તેણે સ્યૂઅર્ડ બોર્ડની ઓવરમાં છ બોલમાં છ સિક્સર મારી હતી. આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઈનલમાં યુવરાજે 30 બોલમાં 70 રન મા્યા હતા, અને ભારત 2007માં ટી-20 વર્લ્ડકપ વિજેતા બન્યું હતું.

28 વર્ષના લાંબા સમયગાળા બાદ જ્યારે ટીમ ઈન્ડિયા 2011માં વર્લ્ડકપ જીતી ત્યારે યુવરાજ સિંહ પણ તેનો હિસ્સો હતો. જોકે, ત્યારબાદના વર્લ્ડકપમાં તેને ખરાબ ફોર્મને કારણે પડતો મૂકાયો હતો, અને આ વખતની વર્લ્ડકપની ટીમમાં પણ તેનો સમાવેશ નહોતો કરાયો.