“તમે ચોરીના મોબાઈલમાં સીમકાર્ડ વાપરો છો” પોલીસની આ વાત સાંભળી પાખંડી પ્રશાંતની મહિલા અનુયાયી ચોંકી ઉઠી

Spread the love

ન્યૂ સમા રોડ વિસ્તારમાં રહેતી શિક્ષિકાએ પોતાના નામે ખરીદેલાં Jioના 9 સીમકાર્ડ ડો. પ્રશાંત ઉપાધ્યાયને આપ્યા હતાં : પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે સીમકાર્ડનો ગોરખધંધામાં ઉપયોગ કર્યો હોવાની મહિલાને આશંકા : બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંતની ભક્તિ કરનાર દંપત્તિને પોલીસ ચોકીના પગથિયાં ચડવાનો વારો આવ્યો

વડોદરા- મી.રીપોર્ટર, ૧૮મી ફેબ્રુઆરી. 

વારસિયા રીંગ રોડ પર આવેલાં બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાય દ્વારા મહિલા અનુયાયીના નામના જીઓ 9 સીમકાર્ડ્સનો ગોરખધંધામાં ઉપયોગ કરાયો હોવાની વિગતો સપાટી પર આવી છે. પાખંડીની ચાલમાં ફસાઈને પોતાના નામના સીમકાર્ડ આપનાર ન્યૂ સમા રોડ વિસ્તારમા રહેતી શિક્ષિકાએ બનાવ અંગે સમા પોલીસને જાણ કરી છે.

ગત ૨૬મી જાન્યુઆરી – 2020ના રોજ ન્યૂ સમા રોડ પર રહેતી શિક્ષિકાના ઘરે હરણી પોલીસમથકના અધિકારી સહિતનો સ્ટાફ જઈ ચડ્યો હતો. પોલીસે શિક્ષિકાને પુછ્યું કે, તમારો ફોન ક્યાં છે? તમે ચોરીના મોબાઈલમાં સીમકાર્ડ વાપરો છો. જે ફોન કોઈ વ્યક્તિનો ચોરાઈ ગયેલો છે. જેમાં તમારા નામનું સીમકાર્ડ મળી આવ્યું છે.

પોલીસની વાત સાંભળતાં જ શિક્ષિકા ચોંકી ગઈ હતી. કારણકે, તેણે પોતાના નામના JIO કંપનીના 9 સીમકાર્ડ બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયને આપ્યો હતો. તેથી શિક્ષિકાએ આ બનાવ અંગે સમા પોલીસ મથકમાં લેખિત જાણ કરી હતી. જેમાં જણાવ્યા પ્રમાણે, શિક્ષકા અને તેમના પતિ વારસિયા રીંગ રોડ પર આવેલા બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાયના સંપર્કમાં આવ્યા હતાં. પાખંડી પ્રશાંતે પોતે ધાર્મિક રીતે જાણકાર હોવાનો અને મીઠ્ઠી મીઠ્ઠી વાતો કરીને આ શિક્ષિત દંપત્તિને માયાજાળમાં ફસાવ્યા હતાં. તેમજ ધર્મના નામે તેઓને ગેરમાર્ગે દોરતો હતો. તે સમયે પાખંડી પ્રશાંતે પોતાના ઉપયોગ માટે જીઓના 9 સીમકાર્ડની જરૂરત હોવાની વાત જણાવી હતી. પાખંડી પર વિશ્વાસ રાખીને શિક્ષિકાએ પોતાના આધાર કાર્ડ પર જીઓના 9 જેટલાં સીમકાર્ડ કઢાવીને પ્રશાંતને આપ્યા હતાં.

તમામ 9 નંબરની જાણકારી સાથે શિક્ષિકાએ લેખિતમાં જણાવ્યું છે કે, સીમકાર્ડ મારા નામ પર છે પરંતુ તેનો દુરોપયોગ પ્રશાંત ઉપાધ્યાયે કર્યો છે. આજદીન સુધી કાર્ડનો ક્યાં ક્યાં ઉપયોગ કરાયો તેની સંપૂર્ણ જવાબદારી પાખંડી પ્રશાંતની જ છે.