તારી બહુ યાદ આવે છે, સાલુ તું હતી તો રોનક હતી, જિંદગી જીવવા જેવી લાગતી…

Spread the love

રાત્રે મને બહુજ કામ હતું એટલે મોડો સુઈ ગયો અને તેથી સવારે મોડે સુધી સુતો રહ્યો એટલા માં મારી આંખ ખુલી ને ઘડિયાળ સામે જોયું તો સાડા નવ વાગી ગયા હતા. અચાનક મને યાદ આવ્યું કે મારા “બાબા” ને આજે રેલ્વે સ્ટેશન છોડવા જવાનું હતું. (હું મારા પિતાશ્રી ને “બાબા” થી ઉચ્ચારતો) બપોરે એક વાગ્યા ની ટ્રેન હતી, ઝાઝો સમય હતો નહિ એટલે મેં રજાઈ બાજુમાં ફેકી એક ઝટકે પલંગ પર થી સ્લીપર પહેરી બેડરૂમ માંથી બહાર ના રૂમ માં આવ્યો. મને એમ કે બાબા તો તૈયાર થઇ ને બેઠા હશે ને મને મોડું થઇ ગયું એટલે “તને ભાન નથી” એમ કહી ખખડાવશે.

બહારના રૂમ માં બાબા દેખાયાજ નહિ. એટલે હું બાલ્કની માં આવ્યો ત્યાં તો બાબા આરામ થી બેઠા હતા અને હાથ માં ગ્લાસ ને ગ્લાસ માં વ્હીસ્કી. આ જોઈ હું ગુસ્સે થઇ ગયો અને મારો સુર બદલાઈ ગયો :” બાબા, તમને ભાન છે આજે તમારે ઘરે જવાનું છે અને આ શું કરવા બેસી ગયા, તમે?”

બાબા :”બેસ ને આરામ થી જવાય છે. આજે અમારા લગ્નની વર્ષગાંઠ છે. આજે તારી મમ્મી ની યાદ આવી ગઈ એકદમ. બસ લાગ્યું કે બે પેગ મારી લઉં, તે મને કાયમ આ દિવશે એક ગીફ્ટ જરૂર આપતી, તને ખબર છે ????? આજે જ તેને મને તું પેટમાં છે એની ખુશ ખબર આપેલી, તે વખતે હું જામનગર ઇલેકશન ડ્યુટી માં હતો, તારી મમ્મી…. એટલે દોસ્ત… તારી મમ્મી.. એના જેવું કોઈ નહિ…”

 મેં તેમને આવા મૂડ માં પહેલી વાર જોયા એટલે હું થોડો શાંત પડ્યો, મેં તમને લગ્ન વર્ષગાંઠ ના અભિનંદન આપ્યા. પણ હજી રેલ્વે સ્ટેશન જવાનું હોઈ તેમને જરા ભાર થી કીધું “બાબા, પ્લીઝ મમ્મી ને યાદ કરવાનો ઘણો ટાઇમ પડ્યો છે, ફરી કોઈ દિવસ યાદ કરી લેજો, હજી તમારે તૈયાર થવાનું છે, પછી આપણે સ્ટેશન પણ જવાનું છે અને તમને ખબર છે ને અહી ટ્રાફિક કેવો હોય છે…..?… બાબા… અમણા થી કૈક કરીશું તો સડા બાર સુધી રેલ્વે સ્ટેશન પહોચીશું.”

બાબા: “મને બધ્ધી ખબર છે, તું મને ના શીખવાડીશ, જો પેલી ખુરશી ખેંચ અને થોડી વાર મારી સાથે બેસ વાત કર અને હું તો કહું છું તું પણ એક પેગ લગાવ”
મેં ખુરશી ખેંચી અને થોડા ક-મને ગ્લાસ લીધો અને તેમની સામે બેસી ગયો.

(પહેલા, આમતો અમે બંને સુરત રહેતા પણ મને સારી નોકરી પુના માં મળી એટલે છેલ્લા એક વર્ષથી પુના રહેતો અને બાબા સુરત માં. આમતો હું બહુ કહેતો કે બાબા પુના રહેવા આવી જાવ પણ અમારા જુના ઘરે જ રહેતા જ્યાં તેમના મિત્રો અને ભાઈ નજીક જ રહેતા હતા. પણ છેલ્લા ત્રણ મહિના થી મારી સાથે રહેતા આજે છેલ્લો દિવસ હતો, અને આજનું તેમનું સુરત જવાનું રીઝર્વેશન પણ હતું.

ચાર વર્ષ પહેલા જ મમ્મી દેવલોક પામ્યા હતા. બાળપણ થીજ મારા મમ્મી પાપા એ મને લાડ થી મોટો કર્યો હતો. અમે બહુજ સંપ થી રહેતા. બહુ પ્રેમ હતો અમારા વચ્ચે. તેથી મારા બાબા મારા માટે ફક્ત પિતા ન હતા. તે મારા દોસ્ત પણ હતા. મેં તેમને એટલે સુરત થી પુના એટલે બોલાવ્યા કે એમને એકલું ના લાગે પણ તેમને એવું કઈ હતું નહી તે તો સુરત માં પણ મિત્રો અને સગા સંબંધીઓ વચ્ચે ખુશ હતા. પણ હવે છેલ્લા ત્રણ મહિના તેમની સાથે રહેતા-રહેતા હવે હ્રદય માં ક્યાંક એવું થવા લાગ્યું કે રોકાઈ જાય તેવી લાલચ થઇ આવી.)

એટલા માં બાબા એ તેમના પાકીટમાં લગાવેલો મમ્મી નો ફોટો બતાવ્યો અને ફોટા તરફ જોઈ બોલ્યા :”તારી બહુ યાદ આવે છે, નીમા… (નીમા મારા મમ્મી નું નામ).. સાલુ તું હતી તો રોનક હતી, જિંદગી જીવવા જેવી લાગતી, રોજ સવારે તને ચા માટે બુમ પાડતો, તને કોઈ વાર ખાલીખાલી ટરકાવતો, તને ચીડવતો, તને ફરવા લઇ જતો, તને મનાવવા પિયર પણ આવતો અને તું મને ચીડવવા કહેતી કે જો ઉપર ગઈ તો પછી બેસી રહેજો એકલા ને હું હસતો, અને તું તો ખરેખર મને છોડી ને જતી રહી….. હવે તારા વગર બધું ફીકું લાગે છે…”

 બાબા ના આ બધા શબ્દો સાંભળી હું પણ તેમની લાગણી ના વહેણ માં તણાવા લાગ્યો. મેં તેમનો હાથ પકડ્યો. તેમને બીજા હાથે તેમના ચશ્માં ચડાવ્યા ને બાલ્કની થી દુર રસ્તા તરફ જોતા બોલ્યા :”સાલું, આ તે કેવું સગપણ ??? કોઈ એકવાર મળે, તમને ગમે, તમે તેને ચાહો, તે તમને ચાહે, અને અચાનક એક દિવસ તમને છોડી તે ભગવાનના ઘરે જતું રહે…, .તમે કાંઈજ ના કરી શકો…. અને તમે કાંઈ પણ કરો તમને તે પાછું ના મળી શકે…., આ તે કેવા કુદરત ના નિયમ??????… કેટલું પણ સારું હોય એકવાર છુટ્ટું એટલે છુટ્ટું…. બોલ.. બેટા… બોલ… બસ તેને યાદ કરતા રહો….”

બાબા ને આ રૂપ માં જોઈ હું તો બિલકુલ સુન્ન થઇ ગયો. મારી પાસે કોઈ જવાબ ન હતો. મેં તેમના બંને હાથ પકડી લીધા, તેમની આંખો ભીની થઇ ગઈ હતી, હું તેમને જોતો રહ્યો. પછી મેં વાતાવરણ હળવું કરવા બાબા ને ચીયર આપ કરવા કીધું અને જવાબ માં તેમને કહ્યું :”ચાલ ઠીક છે,,,,, ચીયર અપ….. તું પણ તારી આવનારી પત્ની ને પણ એટલો પ્રેમ કરજે, એટલો પ્રેમ કરજે, કે જો એ ઉપર જતી રહે તો તને કોઈ અફસોસ ના રહે કે મેં કાંઈ બાકી રાખ્યું છે…..”

મેં પણ બાબા ને આશ્વાસન આપ્યું. થોડીવાર પછી તૈયાર થઇ અમે રેલ્વે સ્ટેશન પહોચ્યા. મેં તેમની બેગ લઇ લીધી અને જેવા પ્લેટફોર્મ પર પહોચ્યા કે ટ્રેન આવી. મેં ડબ્બા માં અંદર જઈ તેમને તેમની જગ્યા પર બેસાડી ટ્રેન ચાલુ થવાને વાર હતી તેથી બહાર આવ્યો. પણ મારા મન માં હજી બાબા એ સવારે કરેલી બધી વાતો ભમી રહી હતી એમાં પણ એ ખાસ વાત કે “તમને છોડી જો કોઈ એકવાર ભગવાનના ઘરે જતું રહે…, .તમે કાંઈજ ના કરી શકો…. અને તમે કાંઈ પણ કરો તમને તે પાછું ના મળી શકે…. બસ તેને યાદ કરતા રહો…. આ તે કેવું સગપણ”

તેટલા માં બાબા બહાર આવ્યા મને પાણી ની બોટલ લાવવા કહ્યું. મેં તેમને જેવી બોટલ આપી કે ટ્રેન ની વ્હીસલ વાગી. હું બાબા ને વળગી પડ્યો.
“બાબા, રોકાઈ જાવ, મને તમારા વગર નહિ ગમે, મમ્મી પછી તમારા સિવાય મારું કોણ છે??, તમે તો મને બહુ આનંદ થી મોટો કર્યો, બસ બાબા હવે મારો વારો… હવે એક મોકો મને ……”
બાબા:”ના, બસ બેટા હવે સુરત જઈશ….. આપના ઘરમાં….. તારી મમ્મી ને યાદો છે એ ઘર માં”
હું કાંઈજ બોલ્યો નહિ એટલે તે મારા મન ને વાત કળી ગયા અને તરતજ બોલ્યા: “સારું, ચલ તારા માટે એક સરપ્રાઈઝ છે, જલ્દી થી એક મિનીટ માટે આખો બંધ કર”
મેં આંખો બંધ કરી, એટલી વાર માં ટ્રેન ચાલુ થઇ, ધીરે ધીરે ડબ્બાનો જવાનો અને પટરી નો ઘસવાનો અવાજ આવવા લાગ્યો અને થોડી ક્ષણ માં એ પણ બંધ થઇ ગયો.

ટ્રેન જતી રહી વિચારી કુતુહુલ પૂર્વક બાબા ના સરપ્રાઈઝ જાણવા મારી આંખો ખોલી ને જોયું ત્યાં તો બાબા બેગ લઇ ને ઉભા હતા. મને જોઈ હસવા લાગ્યા. હું તેમને વળગી પડ્યો. મેં તરતજ તેમની બેગ ખુશી થી ઉઠાવી લીધી. મારી ખુશી તો પાર ન હતો. તેમને મારા ખભા પર હાથ મૂકી કીધું કે :”તારી મમ્મી એ ઉપર બેઠા બેઠા આજે અમારા લગ્નની વર્ષગાંઠ ના દિવસે તારા પ્રેમ ની ગીફ્ટ આપી દીધી” મને આજે ખરેખર વિશ્વાસ થઇ ગયો કે “પ્રેમ નો કોઈ વિકલ્પ નહી.”

સમાપ્ત……