ડેમના બાંધકામમાં 24 કલાકમાં સતત કોન્ક્રીટ ભરવાના વડોદરાની ફેરમેટ કેમિકલ્સનો વિશ્વ વિક્રમ : ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોધાયું

Spread the love

સતત 24 કલાક કામ કરીને 32315.50 કયુબિક મીટર જેટલા અતિ વિશાળ જથ્થામાં કોન્ક્રીટ ભર્યું :  કંપનીના જોઈન્ટ એમ.ડી ભાવેશ શાહનું આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ દ્વારા મોમેન્ટો આપીને સન્માન  કરાયું

વડોદરા, મિ.રિપોર્ટર, ૨૭મી જાન્યુઆરી. 

દેશ અને વિશ્વમાં  બાંધકામને મજબૂતી પ્રદાન કરતા રસાયણોનું ઉત્પાદન કરતી દેશની એક અગ્રેસર અને નામાંકિત કંપની ફેરમેટ કેમિકલ્સ પ્રા. લિમિટેડ ને આંધ્રપ્રદેશ રાજયમાં નિર્માણાધીન એક વિરાટ ડેમના બાંધકામ દરમિયાન 24 કલાકમાં સતત અને સહુથી મોટા જથ્થામાં કોન્ક્રીટ ભરવાના વિશ્વવિક્રમમાં સહયોગી યોગદાન માટે પ્રતિષ્ઠિત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સહ બહુમાન આપવામાં આવ્યું છે. એટલું જ નહિ પણ કંપનીના જોઈન્ટ એમ.ડી ભાવેશ શાહનું આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ દ્વારા મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

વડોદરા જ નહિ પણ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવનાર ફેરમેટ કેમિકલ્સના જોઈન્ટ એમડી ભાવેશ શાહે આ અંગે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ ઘટના એવી છે કે આંધ્ર પ્રદેશના પોલવરમ જિલ્લામાં મહાકાય પોલવરમ મલ્ટિ પર્પસ ઇરીગેશન ડેમ પ્રોજેક્ટ અંદાજે રૂ. 58319 કરોડથી વધુ રકમના ખર્ચે બાંધવામાં આવી રહ્યો છે. જેનું આલેખન કેનેડિયન કન્સલ્ટન્ટ દ્વારા થયું છે.  તાજેતરમાં 7મી જાન્યુઆરીના રોજ આ બંધ બાંધનાર કંપની નવયુગ એન્જીનીયરીંગ કંપની સાથે અમારી કંપની ફેરમેટ કેમિકલ્સ પ્રા. લિમિટેડએ સતત 24 કલાક કામ કરીને 32315.50 કયુબિક મીટર જેટલા અતિ વિશાળ જથ્થામાં કોન્ક્રીટ ભર્યું હતું.  જેના પગલે સતત 24 કલાક સુધી અને સહુથી મોટા જથ્થામાં કોંક્રીટિંગ કરવાનો વિશ્વ વિક્રમ રચાયો હતો. જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા લેવામાં આવી હતી. આ બાબતમાં અગાઉનો વિશ્વ વિક્રમ 24 કલાકમાં 18750 કયુબિક મીટર્સ કોન્ક્રીંટિંગનો હતો.  જેનાથી અમારી કંપનીએ ઘણી મોટી સિદ્ધિ મેળવી છે. 

 

This slideshow requires JavaScript.

ફેરમેટ કેમિકલ્સના જોઈન્ટ એમડી ભાવેશ શાહે વધુમાં ઉમેર્યું હતું કે ફેરમેટ કેમિકલ્સે આ વિશ્વવિક્રમી સિદ્ધિના સર્જનમાં, બાંધકામને મજબૂતી આપતું રસાયણ સતત અને ખુબ મોટા જથ્થામાં પૂરું પાડીને ચાવી રૂપ યોગદાન આપ્યું હતું. કંપની માટે આ જવાબદારી અદા કરવી એ મોટો પડકાર હતો, જે ફેરમેટ કેમિકલ્સે સફળતાપૂર્વક પાર પડ્યો હતો. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સ્થળ પર જ આ વિશ્વ વિક્રમને માન્યતા આપવામાં આવતા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીશ્રી ચંદ્રાબાબુ નાયડુએ એનઈસીએલ ના એમડી શ્રી શ્રીધરનું સન્માન કર્યું હતું. અમારી કંપની દ્વારા બનાવેલ  કેમિકલ પ્રોડક્ટનો દેશમાં બની રહેલા હાઈવે પ્રોજેક્ટ, મેટ્રો પ્રોજેક્ટ, પાવર પ્રોજેક્ટ, રીફાઇનરી અને બુલેટ ટ્રેનમાં ઘણો જ ઉપયોગ થાય છે. એટલુંજ નહી વડોદરા સહીત દેશભરના નામાંકિત ડેવલોપર્સ પોતાના બિલ્ડિંગ માટે અમારા કેમિકલનો ઉપયોગ કરે છે.

ફેરમેટ કેમિકલ્સના એમડી રાકેશ શાહે પણ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,  ફેરમેટ એ ઇન્ડિયન બહુરાષ્ટ્રીય કંપની છે, જેનું વડોદરા-ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય મથક છે. ફેરમેટ કન્સ્ટ્રકશન કેમિકલ્સની વિવિધ વ્યાપક પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ કરે છે. ફેરમેટનું યુકે ની રેસીન બિલ્ડિંગ પ્રોડક્ટ લિમીટેડ (RBP) સાથે ટેકનોલોજી પાર્ટનરશીપ છે. ફેરમેટ કંપનીની સ્થાપના રાકેશ શાહ ( એમ.ડી) અને ભાવેશ શાહ (જોઈન્ટ એમ.ડી) એ વર્ષ ૧૯૯૬માં કરી હતી. માત્ર ૩ કર્મચારીથી શરુ થયેલી ફેરમેટ કંપનીમાં હાલમાં ૧૨૦૦થી વધુ કર્મચારીઓ કાર્યરત છે.  ફેરમેટ કંપનીનું વડોદરા હેડકવાર્ટર છે. વડોદરા ઉપરાંત રાજકોટ અને હિંમતનગર કંપનીની ફેક્ટરી છે. ગુજરાત બહારના અન્ય રાજ્યોની વાત કરીએ તો મુંબઈ, ચેન્નઈ, કલકત્તા, હૈદરાબાદ, દિલ્હી, જલંધર, કટક, લખનૌઉ, ઇન્દોર-ભોપાલમાં ફેક્ટરી છે. દેશની બહાર વર્ષ ૨૦૦૬માં આંતરરાષ્ટ્રીય કંપનીની શરૂઆત કરી છે. ૨૩વર્ષની જર્નીમાં ફેરમેટ કંપની દુબઈ, લેબેનોન, વેનેઝુએલા, યુએસએ, યુકે, કેન્યા, સ્ટોનિયા, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા-જાકાર્તામાં પણ પોતાની ફેક્ટરી ધરાવે છે.