ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતી માટેનું પેપર લીક થતાં પરીક્ષા રદ, પેપર લીક કરવાના પ્રકરણમાં મહિલાની સંડોવણી

Spread the love

મિ.રિપોર્ટર, ૨જી ડીસેમ્બર. 

ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતી માટેની આજે લેવાનાર પરીક્ષા પેપર લીક થવાને પગલે રદ કરી દેવામાં આવી છે. તો બીજીબાજુ પેપર લીક મામલાની ગુજરાત પોલીસે તપાસ હાથ ધરી છે. ગુજરાત પોલીસને કેટલાક અસામાજિક તત્વોએ આ પેપર લીક કર્યું હોવાની શંકા છે. રદ કરાયેલી પરીક્ષા  એકાદ મહિનામાં ફરીથી લેવામાં આવી શકે છે. 

રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે રાજ્યના ૨૯ શહેરોમાં લોકરક્ષકની ૯૭૧૩  બેઠકો માટે લેખીત પરીક્ષા લેવામાં આવાની હતી. થ્રિ-લેયર બંદોબસ્ત વચ્ચે રાજ્યના ૮,૭૬,૩૫૬ ઉમેદવારો લેખીત પરીક્ષા આપવાના હતા. રાજ્યની ૨૪૪૦ શાળામાં અને કોલેજોના ૨૯૨૦૦  બ્લોકમાં લેખીત પરીક્ષા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં હતા.

કુલ 100 ગુણની પરીક્ષાનો સમય સાંજે૩ થી ૪ કલાકનો છે. પરંતુ વિદ્યાર્થીઓને બપોરે ૧૨ થી ૨.૩૦ કલાક દરમિયાન પ્રવેશ લેવાની સુચના અપાઈ હતી. કારણ કે, પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓનું બાયો મેટ્રિક સિસ્ટમથી ચકાસણી કરવામાં આવશે. રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષની ભરતી શરૂઆતમાં ૬૧૮૯ બેઠકો મંજૂર કરવામાં આવી હતી. પરંતુ પાછળથી ૩૫૨૪ બેઠકોનો વધારો કરાતા કુલ ૯૭૧૩ બેઠકો માટે પરીક્ષા લેવાશે. લેખિત પરીક્ષા લેવાયા બાદ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે. જેમાં કુલ બેઠકના આઠ ગણા એટલે કે, ૭૭૭૦૪ ઉમેદવારોને પ્રેક્ટિકલના મેરિટ માટે સમાવવામાં આવશે.

જોકે બપોરે ત્રણ વાગ્યે લેવાનાર પરીક્ષા પૂર્વે જ  અસામાજિક તત્વો દ્વારા પરીક્ષાનું પેપર લીક કરાતા જ  ભારે હોબાળો મચી ગયો હતો. જેના પગલે પરીક્ષા રદ કરી દેવાઈ હતી. પરીક્ષા રદ કરવા અંગે ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જાહેરાત કરી જણાવ્યું હતું કે, પેપર લીક થયું હોવાની  માહિતી મળી છે. જેના પગલે જ આ પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે.  પેપર લીક કરવામાં  એક મહિલાની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.