સર્વોત્તમ યજ્ઞ વેળા મેઘકૃપા થતાં વૈષ્ણવભક્તો ભાવવિભોર બન્યા : ષષ્ઠપીઠ યુવરાજ વૈષ્ણવાચાર્ય પૂ.આશ્રયકુમારજીના સાંનિધ્યમાં આયોજિત મહાપ્રભુજીના પ્રાગટ્યોત્ત્સવમાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ઉમટ્યા : ગોકુલધામ વિદ્યાલયના ભૂલકાંઓએ મહાપ્રભુજીના જીવનચરિત્ર પર પ્રદર્શની રજૂ કરી આકર્ષણ જમાવ્યું

 એટલાન્ટા- અમેરિકા, મિ.રિપોર્ટર, દિવ્યકાંત ભટ્ટ

અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે શનિવારે સર્વોત્તમ યજ્ઞ સાથે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યોત્ત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠ યુવરાજ વૈષ્ણ‌વાચાર્ય પૂ.આશ્રયકુમારજીના સાંનિધ્યમાં યોજાયેલા મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવમાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સર્વોત્તમ યજ્ઞ વેળા અચાનક જ મેઘકૃપા થતાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા.

સમગ્ર જ્યોર્જિયા સ્ટેટમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી ગોકુલધામ હવેલી ખાતે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવની ઉજવણીનું ‌ભવ્ય અાયોજન કરાયું હતું. વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધિશ્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સર્વોત્તમ યજ્ઞનો મનોરથ યોજાયો હતો. યજ્ઞમાં પૂ.આશ્રયકુમારજી ઉપરાંત 25 વૈષ્ણ‌વ પરિવારોએ ભાગ લીધો હતો. શાસ્ત્રી ધવલકુમાર દ્વારા સર્વોત્તમ યજ્ઞનો મહિમા વર્ણવી પુષ્ટિસંપ્રદાયની પરંપરા મુજબ યજ્ઞ સંપન્ન કરાયો હતો.

સર્વોત્તમ યજ્ઞ બાદ ગોકુલધામના પ્રાંગણમાં શ્રી મહાપ્રભુજીની નયનરમ્ય મૂર્તિને પાલખીમાં બિરાજમાન કરી કિર્તન-પદના ગાન સાથે શ્રી મહાપ્રભુજીની શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં કિર્તન-મંડળીની બહેનોએ કિર્તન-પદની રમઝટ બોલાવતાં ભક્તિનો માહોલ છવાયો હતો.

This slideshow requires JavaScript.

શોભાયાત્રાના સમાપન સાથે હવેલીના શ્રી જગતગુરુ હોલમાં ગોકુલધામ વિદ્યાલયના બાળકોએ શ્રી મહાપ્રભુજીના જીવનચરિત્રને ઉજાગર કરતી પ્રદર્શની રજૂ કરી આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે પૂ.આશ્રયકુમારજીના હસ્તે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવના મુખ્ય મનોરથી તુષારભાઇ અને કામિનીબહેન પટેલનું બહુમાન કરાયું હતું.

શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યપર્વ નિમિત્તે ગોકુલધામમાં બિરાજમાન શ્રીનાથજી સ્વરૂપ શ્રી ઠાકોરજી અને શ્રી કલ્યાણરાય પ્રભુને લાડ લડાવવા નંદ મહોત્સવનો મનોરથ યોજાયો હતો. પૂ.આશ્રયકુમારજીએ શ્રીઠાકોરજીને પલનામાં ઝૂલાવતાં શ્રદ્ધાળુઓએ નંદ ઘેર આનંદભયોના ગાન સાથે દર્શન ચોક ગજવી દીધો હતો.

ગોકુલધામમાં આયોજિત શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યોત્ત્સવની ઉજવણીને ભવ્ય અને દિવ્ય બનાવવા ચેરમેન અશોક પટેલ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, ટીમ મેમ્બર્સ કિન્તુ શાહ, હેતલ શાહ, સમીર શાહ, નિકશન પટેલ, અલકેશ શાહ, જીગર શાહ, ગિરીશ શાહ, કેતુલ ઠાકર-દીપ ઠાકર તેમજ મહાપ્રસાદ સેવામાં ભાનુબહેન પટેલ, હસુભાઇ પટેલ, રંજનબહેન સિરોયા, સોહિનીબહેન-પ્રકાશ પટેલ, અશ્વિન પટેલ અને  હિતેશ પંડિતે  જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: