સ્ત્રીઓ માટે આર્થિક સ્વતંત્રતા કેમ જરૂરી છે ?

Spread the love

મંથન

લેખિકા : ભૂમિકા પાઠક

આજકાલની લાઈફ સ્ટાઇલ અને ખર્ચાને જોઈને ફેમિલીમાં વધુમાં વધુ વ્યક્તિઓ કમાય તે સ્વાભાવિક રીતે ફાયદાકારક છે, પણ સ્ત્રીઓ માટે કેમ જરૂરી છે આર્થિક સ્વતંત્રતા ચાલો જાણીયે :

વ્યક્તિગત વિકાસ – મોટા ભાગની સ્ત્રીઓ પોતાની હાઉસ વાઈફ તરીકે ની જવાબદારી ખુબ જ સરસ રીતે નિભાવે છે પણ ઘણી વાર એવું બનતું હોય છે કે ઘરના નાના મોટા કામ સિવાય બહારની દુનિયાનો અનુભવ એમને કઈ ખાસ થતો નથી આથી જો એ કોઈ જોબ કે નાનો બિઝનેસ પણ કરશે તો તે વર્તમાન પરિસ્થિતિથી વાકેફ થશે અને તેમનો વ્યક્તિગત વિકાસ થઇ શકશે, અલગ અલગ લોકોને મળવા થી તેમના અનુભવોમાં વધારો થશે અને જે તેમના જીવનમાં ખુબ જ ઉપયોગી થઇ શકે છે.

નિર્ણય લેવાની ક્ષમતા – જયારે તમે આર્થિક રીતે કોઈના પર આશ્રિત છો ત્યારે તમે તમારી રીતે કોઈ પણ નિર્ણય લઇ શકતા નથી, આર્થિક સ્વતંત્રતા તમને તમને તમારા નિર્ણય જાતે લેવા માટે સક્ષમ બનાવશે, સાથે સાથે ફેમિલીના નાના મોટા મહત્વના નિર્ણયોમાં પણ તમારું યોગદાન આપી શકશો.

નિર્ભય જીવન – વ્યક્તિગત વિકાસની સાથે સાથે આર્થિક સ્વતંત્રતા તમને સલામત અને નિર્ભય જીવન જીવવામાં મદદરૂપ થશે, તમારી પાછળની જિંદગીમાં પણ તમે તમારા અનુભવની મદદ થી નાનું મોટું કોઈ કામ કરીને તમારા પોતાના ખર્ચા જાતે ઉપાડી શકો છો અને એક નિર્ભય જીવન તમે જીવી શકો છો.

ઘણી સ્ત્રીઓ એવરેજ કે તેથી ઓછી ઈન્ક્મ વાળી જોબ કે બિઝનેસ સ્વીકારતી નથી, પણ આજે નાની ઈન્ક્મ કાલે મોટી પણ થઇ શકે છે, અને અનુભવ લાઈફમાં તમને બધી રીતે સક્ષમ બનાવશે, ઘણા લોકોનું એવું પણ માનવું છે કે બહાર જોબ કરી અને મોટી રકમ કામવાળી પાછળ ખર્ચવાથી શું ફાયદો ?

ફાયદો એ છે કે તમે એક કામવાળી જે શિક્ષિત નથી તેને આર્થિક રીતે મદદ કરો છો,કોઈને રોજગાર પૂરો પાડો છો, દેશની ઈકોનોમીમાં ફાળો આપો છો, અને સાથે સાથે તમે તમારો પોતાનો વિકાસ કરો છો, તેમ જ અનુભવથી તમે ભવિષ્યમાં વધુ માં વધુ પૈસા કમાવા લાયક બની શકો છો.