ફોટો વાઈરલ કરી મારી નાંખવાની ધમકી આપી : પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી
ડીસા-મિ.રિપોર્ટર, ૧૨મી એપ્રિલ
કાળઝાળ ગરમી વચ્ચે જ એકબાજુ લોકસભાની ચુંટણીનો જોરશોર થી પ્રચાર ચાલી રહ્યો છે. આ પ્રચાર વચ્ચે જ ડીસા તાલુકા યુવા ભાજપ મંત્રી અને ગેનાજી ગોળિયા ગામના ઉપસરપંચે બિન સચિવાલય અને તલાટીની પરીક્ષા પાસ કરાવવાની લાલચ આપીને એક યુવતીને ફાર્મ હાઉસમાં લઈ જઈ અડપલાં કર્યા હતા અને બીભત્સ માંગણીઓ કરી તેની સાથેના ફોટો વાઈરલ કરી મારી નાંખવાની ધમકી આપી હોવાની વિગતો સપાટી પર આવી છે. ખુદ યુવતીએ ડીસા તાલુકા યુવા ભાજપ મંત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસને ફરિયાદ આપતાં વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, તે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ખાતે ટી વાય બી કોમમાં સેમેસ્ટર 6 ની પરીક્ષા આપવા ગઈ હતી. જે દરમિયાન 26 માર્ચે તેનું આંકડાશાસ્ત્રનું પેપર હતું. જેમાં ગેનાજી ગોળીયાના ઉપ સરપંચ અને તાલુકા ભાજપ યુવા મોરચાના મંત્રી મહેશ સોમાજી ગેલોત (માળી) સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતો. આ દરમિયાન મારી સ્લીપ જોઈ તેણે કહ્યું હતું કે, તારા પપ્પા મારા કુટુંબી ભાઈ થાય છે. તું શાંતિથી લખજે. જોકે બાદમાં દરેક પેપરમાં આવી મારી માટે ભલામણ કરતો હતો. જોકે એક જ સમાજના હોવાથી મેં તેના પર વિશ્વાસ મૂક્યો હતો. પરીક્ષા બાદ તેણે મારો મોબાઈલ નંબર લીધો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ તેણે મને જણાવ્યું હતું કે, તે ગુજરાત જાહેર સેવા આયોગના ક્લાસિસ પણ ચલાવે છે. તેને મોટા રાજકારણીઓ અને અધિકારીઓની ઓળખાણ ધરાવે છે તેમ કહી મને સાંઇબાબા મંદિરે બોલાવી હતી. જેથી હું એક્ટિવા લઇ સાઈબાબા મંદિર ખાતે પહોંચતા તેણે કહ્યું હતું કે તલાટીના તેમજ જીપીએસસીની પરીક્ષા પાસ કરાવનાર વ્યક્તિની સાથે મુલાકાત કરાવવાનું જણાવી તેને એક ફાર્મ હાઉસમાં લઇ ગયો હતો.
ફાર્મ હાઉસમાં લઇ જઈને તે મને ઉપરના માળે લઈ જઈ શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો. બાદમાં તેણે મારા પાડ્યા હતા અને ફોટા વાઈરલ કરી બદનામ કરવાની ધમકી આપી બીભત્સ માગણી કરી હતી. જોકે મેં મારા પિતાને ફોન કરું છુ એવું કહેતા જ મને ગાડીમાં બેસાડી છરી બતાવીને આ મામલે કોઈને કઈ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે મેં માતાને વાત કરી હતી. તે પછી મેં ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશને ગેનાજી ગોળીયાના ઉપ સરપંચ અને તાલુકા ભાજપ યુવા મોરચાના મંત્રી મહેશ સોમાજી ગેલોત (માળી) વિરુદ્ધ શારીરિક અડપલાં કરી મારી નાખવાની ધમકી આપી બીભત્સ માંગણી કરી ફોટા વાઈરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ નોધાવી હતી. આ સંદર્ભે પોલીસે ગુનો નોધીને તપાસ શરુ કરતા જ ડીસામા રાજકીય ખળભળાટ મચી ગયો હતો