હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવનાર શીખ ને વડોદરા પોલીસે 100 રૂ.નો મેમો મોકલતા વિવાદ, વાંચો કેમ થયો ?

વડોદરા, મિ.રિપોર્ટર, ૨૪મી ડીસેમ્બર. 

હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવનાર વડોદરા શહેરના વાડીમાં રહેતા શીખ-સરદારજીને  વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ઇ-મેમો આપવામાં આવતા વિવાદ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે,  વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા હેલ્મેટ તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઇ-મેમો આપીને દંડ વસુલમાં આવે છે. જોકે હેલ્મેટ વિના વાહન ચલાવનાર શીખ-સરદારજીને  ઇ-મેમો આપી દેવામાં આવતાં વિવાદ ઘેરાયો છે. તો બીજીબાજુ  DCP ટ્રાફિક યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે, સરદારજીઓને હેલ્મેટમાં મુક્તિ આપવામાં આવેલી છે.

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકના કડક નિયમોનું પાલન કરાવવા માટે ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં માર્ગ પર ટ્રાફિકના નિયમોનું પાલન નહિ કરનારા પાસેથી દંડ વસુલવામાં આવે છે. તો બીજીબાજુ શહેરમાં અલગ-અલગ વિસ્તારોના માર્ગો પર  ઠેર-ઠેર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જેના કંટ્રોલ રૂમ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે હેલ્મેટમાં સરદારજીઓને હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવેલી હોવા છતાં  પણ સરદારજીઓને હેલ્મેટ ન પહેરવા બાબતે ઘરે ઇ-મેમો મોકલવામાં આવી રહ્યા છે. જેમાં  વડોદરા શહેરના વાડી વિસ્તારના હાથીયાખાડ રોડ પર ૨૪, ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતા મોહનસિંઘ ઉત્તમસિંઘ ખાલસા રહે છે. તેઓને હેલ્મેટ ન પહેરવા બાબતનો ટ્રાફિક પોલીસ દ્વારા ઇ-મેમો આપવામાં આવ્યો હતો.

પોતાને મળેલા ઇ-મેમો  અંગે મોહનસિંઘ ખાલસાએ જણાવ્યું હતું કે, હું પોતે  બેન્ડવાજાનો વ્યવસાય કરું છુ. ધર્મથી હું સરદારછુ. અમને એટલે કે સરદારજીઓને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે, તેમ છતાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મારા ઘરે હેલ્મેટ ન પહેરવા બાબતનો ઇ-મેમો મોકલવામાં આવ્યો હતો. જેમાં દર્શાવેલો 100 રૂપિયાનો દંડ પણ મેં ભરી દીધો છે. 

ઇ-મેમો મોકલવા અને દંડ વસુલવાથી ઉભા થયેલા વિવાદ અંગે વડોદરા શહેરના ટ્રાફિક DCP યશપાલસિંહ જગાણીયાએ જણાવ્યું કે, સરદારજીઓને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. વાડીના રહેવાસી મોહનસિંઘ ખાલસાએ જો દંડ ભરી દીધો હશે, તો તેઓને દંડની રકમ પરત કરવામાં આવશે. ભવિષ્યમાં આ બાબતે ધ્યાન રાખવામાં આવશે.