અમદાવાદ-મિ..રિપોર્ટર, ૨૭મી માર્ચ
પાટીદાર અનામત આંદોલન દ્વારા રાજનીતિમાં પ્રવેશેલા અને લોકસભા ચૂંટણી ટાણે કોંગ્રેસમાં જોડાઈ ગયેલા હાર્દિક પટેલ સામે સમગ્ર ગુજરાતમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. તાજેતરમાં જ અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે એક ખાનગી ન્યૂઝ ચેનલના કાર્યક્રમનું શૂટિંગ કરવા માટે પહોચેલા હાર્દિક પટેલ નો મોર્નિંગ વોક કરવા આવેલા લોકોએ હાર્દિકનો ભારે વિરોધ કરીને હુરિયો બોલાવ્યો હતો. જેની સામે હાર્દિક પટેલની બોલતી બંધ થઇ ગઈ હતી.
એક ખાનગી ન્યૂઝ ચેનલના કાર્યક્રમનું શૂટિંગ કરવા માટે પહોચેલા હાર્દિક પટેલને જોઇને લોકોએ હાર્દિકને કહ્યું હતું કે, અત્યાર સુધી તારું ચાલ્યું પણ હવે અમારું ચાલશે. એક વ્યક્તિને હાર્દિકે એમ પણ કહ્યું હતું કે, તમે કહેશો એટલે થોડો પૂરો થઈ જઈશ? કેટલાક એક્ટિવિસ્ટો જોડે જવા બદલ પણ લોકોએ હાર્દિકને શાબ્દિક પ્રહારો કર્યા હતા. તો ગુસ્સે ભરાયેલા એક વ્યક્તિએ તો ભારત માતા કી જય બોલાવવાની સાથે ‘આને કાઢો અહીંથી’ પણ કહ્યું હતું. જોકે, પોતાનો વિરોધ કરી રહેલા લોકો સામે હાર્દિકે કોઈ પ્રતિકાર કર્યા વિના તેમના વિરોધને અવગણ્યો હતો. પોતાને ઘેરી લઈને કોંગ્રેસમાં જોડાવાના નિર્ણયનો વિરોધ કરી રહેલા લોકોને હાર્દિકે સામો જવાબ આપવાનું પણ ટાળ્યું હતું.