ટ્રાવેલ, મિ.રિપોર્ટર, ૨૫મી એપ્રિલ
ગરમી શરુ થતા જ બધા હિલ સ્ટેશન પર જવાનું પસંદ કરે છે. એમાય જો હિલ સ્ટેશનની વાત કરીએ તો ગુજરાતીઓને માઉન્ટ આબુ, સાપુતારા અને ગોવા જ દેખાય છે. અન્ય સ્થળો દેખાતા નથી. આજે અમે એવા સ્થળની વાત કરીશું કે જે વિષે ભાગ્યે જ કોઈએ સાંભળી હશે. અમુક જ ગણ્યાગાંઠ્યા લોકોને ખબર હશે. માઉન્ટ આબુ, સાપુતારા અને ગોવા ના હિલ સ્ટેશનોને ટક્કર આપે તેવું એક હિલ સ્ટેશન આપણા ગુજરાતમાં જ આવેલું છે. પાછલા થોડા સમયથી લોકો વચ્ચે પ્રખ્યાત થઈ રહેલા આ હિલ સ્ટેશનનું નામ છે ડોન, જે ગુજરાતના આહવા અને મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની બોર્ડર પર આવેલું છે.
ડોન હિલ સ્ટેશન ક્યાં આવ્યું ?
ડોન હિલ સ્ટેશન આહવાથી માત્ર 38 કિલોમીટર દૂર આવેલું છે. તે ગામ સાપુતારાથી પણ 17 મીટર ઊંચુ અને તેનાથી 10 ગણો વિસ્તાર ધરાવે છે. સહ્યાદ્રિ પર્વતમાળા ખુશનુમા ઊંચાઈ, હરિયાળા ઢોળાવો, નદી, ઝરણાં બધુ જ ધરાવે છે. એટલે પ્રકૃતિની મોજ માણવા ડોન હિલ સ્ટેશને એક ઉત્તમ વિકલ્પ છે. ગુજરાતના પ્રખ્યાત હિલ-સ્ટેશન સાપુતારાની જેમ ડોનની પણ 1000 મીટરની ઊંચાઇ છે. સાથોસાથ આને એક ઐતિહાસિક સ્થળ પણ કહેવામાં આવે છે, કારણ કે અહી ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ જોડાયેલી છે.આ સ્થળને ટ્રેકિંગ માટે પણ બેસ્ટ ગણવામાં આવે છે અને એજ કારણ છેકે અહી પ્રવાસીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જોવા મળે છે.
કેવી રીતે જઇ શકાય ?
ડાંગ જિલ્લામાં આવેલા આ કુદરતી સુંદરતા ધરાવતું ડોન હિલ-સ્ટેશન આહવાથી 38 કિ.મી દૂર આવેલ છે. આહવા પાસે આવેલા ગડદ ગામથી પહાડી વળાંકદાર રસ્તેથી અહીં પહોંચી શકાય છે. સુરતથી ડોન હીલ સ્ટેશનનું અંતર લગભગ 175 કિલોમીટર, નવસારીથી અંદાજે 136 કિલોમીટર, સાપુતારાથી આશરે 50 કિલોમીટરના અંતરે આવેલું છે. તમે અહીં પોતાના વાહન અથવા રાજ્ય સરકારની બસ સર્વિસ દ્વારા જઈ શકો છો.
ડોનની નજીક આવેલ અન્ય ફરવાલાયક સ્થળો ક્યાં છે ?
બરડા વોટરફોલ – 33 કિલોમીટર
શીવધાટ – 32 કિલોમીટર
મહાલ – 46 કિલોમીટર
પંપા સરોવર – 47 કિલોમીટર
કેવી રીતે હિલ સ્ટેશન નું નામ પડ્યું ?
આ હિલ સ્ટેશનનું નામ ડોન પડવા પાછળનો ઇતિહાસ પણ રોચક છે. અંજની પર્વત પાસે આવેલ આ જગ્યાનો સંબંધ રામાયણકાળ સાથે છે. રામાયણ કાળમાં અહીં ગુરુ દ્રોણનો આશ્રમ હતો અને વનવાસ દરમિયાન ભગવાન રામ અને સીતા અહીં આવ્યાં હતાં. ગુરુ દ્રોણના આશ્રમને કારણે આ જગ્યા દ્રોણ તરીકે ઓળખાતી હતી. કાળક્રમે દ્રોણનું અપભ્રંશ થઈને ડોન થઈ ગયું.
હનુમાનજી સાથે પણ છે સંબંધ ?
કહેવાય છેકે અહી અંજની પર્વત અને કુંડ આવેલો છે જેને હનુમાનજીનું જન્મસ્થળ ગણવામાં આવે છે. અહી માતા અંજનીએ ભગવાન શિવની આરાધના કરી હતી. જેથી એક શિવલિંગ પણ છે અને આ ઉપરાંત અહી ભગવાન રામ અને માતા સીતાના પગલા અને ડુંગરના નીચલા ભાગે પાંડવ ગુફા પણ જોવા મળે છે. અહીં ઝરણાં પર્વત પરથી વહીને નીચે ‘સ્વયંભૂ શિવલિંગ’ રૂપે પૂજાતા શિવલિંગ પર અભિષેક કરે છે. આ ખુલ્લા શિવ મંદિરની પાસે હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. દોઢેક વર્ષથી અહીં સહેલાણીઓ માટેની સગવડ પણ વિકાસ પામી રહી છે. એક વર્ષ અગાઉ વડાપ્રધાન સડક યોજના હેઠળ પાકો રસ્તો બનાવી લેવાયો છે.