સ્વીડનની કંપનીએ રૂપિયા 550 કરોડનું દેવુ ન ચૂકવે ત્યાં સુધી અનિલ અંબાણીને જેલમાં પૂરવાની અને વિદેશ જવાની મનાઈ કરવાની માંગ કરી
મુંબઈ, મિ.રિપોર્ટર, ૪થી જાન્યુઆરી.
રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ચેરમેન અનિલ અંબાણી સામે ટેલિકોમ ઈક્વિપમેન્ટ બનાવતી કંપની એરિક્સને સુપ્રીમ કોર્ટમાં બીજી વાર પિટીશન દાખલ કરીને માંગ કરી છે કે તે જ્યાં સુધી કંપનીના 550 કરોડ રૂપિયા ન ચૂકવે ત્યાં સુધી તેમને જેલમાં પૂરવાની અને વિદેશ જવાની મનાઈ કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે અનિલ અંબાણી સ્વીડનની કંપનીના રૂ. 550 કરોડ ચૂકવવામાં અનેકવાર નિષ્ફળ ગયા છે.
આરકોમે સુપ્રીમ કોર્ટમાં ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સ સામે ફરિયાદ કરી છે અને કહ્યું છે કે તે સ્પેક્ટ્રમના વેચાણની પ્રક્રિયાને ટલ્લે ચડાવી રહી છે. જો આ સ્પેક્ટ્રમ વેચાણની ડીલ પૂરી થઈ જાય તો આર.કોમ આસાનીથી એરિક્સન અને બીજા લેણદારોને દેવુ ચૂકવી શકશે. એરિક્સનને 550 કરોડ રૂપિયાની ચૂકવણી કરવી અત્યારે આર.કોમની પ્રાથમિકતા બની ગઈ છે.
તો બીજીબાજુ સ્વીડનની કંપની એરિક્સનો પક્ષ રજૂ કરતા અગ્રણી વકીલ અનિલ ખેરે જણાવ્યું, “આર.કોમે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરતા કંપનીએ ફ્રેશ એપ્લિકેશન ફાઈલ કરી છે. અમે ઘણા લાંબા સમયથી પેમેન્ટની રાહ જોઈ રહ્યા છે અને તે ન કરીને રિલાયન્સ કોમ્યુનિકેશને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. આ માટે છ મહિનાની જેલની સજાનો ઉલ્લેખ છે.” આ અંગે રિલાયન્સ કોમ્યુનિકેશન્સે અમારા સહયોગી અખબાર ઈકોનોમિક ટાઈમ્સના પ્રશ્નોનો જવાબ નહતો આપ્યો. સુપ્રીમ કોર્ટ મંગળવારે બંને પક્ષને સાંભળશે. આ દરમિયાન રિલાયન્સ કોમ્યુનિકેશન્સનો શેર 2.2 ટકા તૂટ્યો હતો.