સૂર્યનો પ્રકાશ જ્યાં ન પહોંચી શક્યો, ચંદ્રના તે ભાગનું રહસ્ય ખોલશે આપણું ઓર્બિટર….જાણો કેવી રીતે ?

દિલ્હી- મિ.રિપોર્ટર, ૧૫મી સપ્ટેમ્બર. 

ચંદ્રની એ સપાટી જેને આપણે ક્યારેય જોઈ નથી એટલું જ નહીં સૂર્ય પ્રકાશ પણ ત્યાં ક્યારેય પહોંચ્યો નથી તેના પર આપણું વિક્રમ લેન્ડર પહોંચી તો ગયું પરંતુ સંપર્ક તુટી જતા અનેક પ્રયાસો છતા હજુ સુધી સંપર્ક સાધી શકાયો નથી. જોકે વિક્રમને લઈ જનાર ચંદ્રયાન બેનું ઓર્બિટર સહિસલામત કામ કરે છે અને તે પોતાના મિશન પર લાગી પણ ગયું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે,  ભારતના બીજા મૂન મિશનનું આ ઓર્બિટર ચંદ્રના કાયમી અંધારામાં રહેતા એવા વિસ્તારની તસવીરો મોકલશે જ્યાં હજુ સુધી ક્યારેય સૂર્ય પ્રકાશ પણ પહોંચી શક્યો નથી. આ જાણકારી સમગ્ર દુનિયા માટે નવી હશે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે એક દશકા પહેલા ભારતે મોકલેલા પહેલા ચંદ્રયાન કરતા આ વખતે ઓર્બિટર વધુ સારુ પ્રદર્શન કરી રહ્યું છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું કે ઓર્બિટર પહેલાથી જ ચંદ્રની કક્ષામાં સ્થાપિત થઈ ચૂક્યું છે અને તે ચંદ્રની સંરચના, ખનિજ અને પાણીની ઉપલબ્ધતા અંગે જાણકારી ભેગી કરી રહ્યું છે જે ચંદ્ર અંગે આપણી સમજને વધુ આગળના સ્તરે લઈ જશે. આ ઓર્બિટર 7 વર્ષ સુધી ઓપરેશનલ રહેશે. આ દરમિયાન ચંદ્રના અનેક રહસ્યોથી પડદો ઉઠાવવામાં મદદ મળશે.

લેન્ડર વિક્રમ અને રોવરના ભાગે ચંદ્રની સપાટી પર લેન્ડ કરીને માહિતી એકઠી કરવાનું હતું જ્યારે ઓર્બિટરે ચંદ્રથી 100 કિમી દૂરની ધરીમાં ફરતા રહીને માહિતી એકઠી કરી રહ્યું છે. ઓર્બિટરમાં લગાડવામાં આવેલા હાઈ રિઝોલ્યુશન કેમેરા ચંદ્રની સપાટી પર 0.3 મીટર સુધીની તસવીર લઈ શકે છે.