મિ.રિપોર્ટર, ૪થી જાન્યુઆરી.
વડોદરાની એક યુવતીને રાવપુરામાં એક બુટિકના માલિક પાસેથી લગ્ન માટે ડ્રેસ ખરીદ્યો હતો. જે વરસાદમાં પલળી ગયા બાદ સંકોચાઈ જતા યુવતીએ બુટિકવાળાને ડ્રેસ બદલી આપવા કહ્યું હતું પણ દુકાનદારે આ વાત માની નહતી. જેની સામે ગુસ્સે ભરાયેલી યુવતીએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં દુકાનદાર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. હવે કોર્ટે 9 ટકા વ્યાજ સાથે ડ્રેસની કિંમત ગ્રાહકને પાછી આપવાનો હુકુમ કરાયો છે.
રાવપુરામાં એક બુટિકના માલિક પાસે યુવતી વૈશાલી ચૌહાણે 19 નવેમ્બર 2010ના રોજ એક લગ્ન માટે 3500 રૂપિયામાં પંજાબી ડ્રેસ ખરીદ્યો હતો. એ જ દિવસે અચાનક વરસાદ પડતા તે પલળી ગઈ હતી. ઘરે પહોંચતા ચૌહાણને ખ્યાલ આવ્યો કે ડ્રેસ સંકોચાઈ ગયો છે. આથી 21 નવેમ્બર 2010ના રોજ તે બુટિકમાં ડ્રેસ પાછો આપવા ગઈ હતી. માલિકે એ સમયે ડ્રેસનો બીજો પીસ તેમની પાસે ન હોવાથી બાદમાં ડ્રેસ બદલી આપવાનું વચન આપ્યું હતું. ઓનરે ગ્રાહકને વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું અને તેની પાછળ રીસીટ અને કિંમતનો ઉલ્લેખ કરીને ડ્રેસ રિપ્લેસ કરી આપવા જણાવ્યું હતું.
જોકે તે બાદ બુટિકના માલિકે વારંવાર ધક્કા ખવડાવ્યા હતા. પણ ડ્રેસ બદલી આપ્યો નહતો. જેની સામે ગુસ્સે ભરાયેલી યુવતીએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં દુકાનદાર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. તો બીજીબાજુ બુટિકના માલિકે સ્વીકાર્યું કે તેણે ચૌહાણને ડ્રેસ વેચ્યો હતો પણ દલીલ કરી કે વરસાદને કારણે થયેલા નુકસાન માટે તે જવાબદાર ન ગણી શકાય. તેણે વધુમાં કહ્યું કે ડ્રેસના ઉત્પાદકે એવો બીજો પીસ ન આપ્યો હોવાથી તે રિપ્લેસમેન્ટ માટે જવાબદાર ગણાય નહિં. બુટિકે એમ પણ કહ્યું કે ડિસ્પ્લે બોર્ડમાં સ્પષ્ટ લખ્યું છે કે કલર, જરી અને ડ્રેસ મટિરિયલ માટે કોઈ ગેરન્ટી આપવામાં આવતી નથી. જોકે ગ્રાહકની દલીલને માન્ય રાખીને કોર્ટે 9 ટકા વ્યાજ સાથે ડ્રેસની કિંમત ગ્રાહકને પાછી આપવાનો હુકુમ કરાયો છે.