આજે પ્લાન મુજબ એક સારા કુટુંબ ના છોકરા ની જેમ બ્રાન્ડેડ બ્રાઉન કલર ના લેધર હોલ શુઝ, વોચ, ડાર્ક ઓરેન્જ ગ્લાસ, ગળા માં સોનાની ચેઈન, સ્હેજ આછી દાઢી મુછ, લેપટોપ બેગ, લાઈટ ચેક્સ શર્ટ, જીન્સ વગેરે પહેરી લગભગ સવાર ના નવ વાગે હું રેલ્વે પ્લેટફોર્મ નંબર એક પર થી ચાલતો ચાલતો નીકળ્યો. આમ તો હું સુંદર દેખાતો પણ આવા મોઘાં કપડા અને બ્રાન્ડેડ વસ્તુ સાથે કૈક વધારે સારો લાગતો હતો.

આ દેખાવ બેખાવ ઠીક છે પણ આજે મારે મારા ખાસ  કામ પર ધ્યાન રાખવાનું હતું અને આ દેખાવ ની આડ માં એક ચોરી કરવાના પ્લાન ને અમલમાં મૂકવાનો હતો.  અમારું ટાર્ગેટ એક મોટુ ફેમીલી જે સમાન લઇ બહાર ફરવા જવાનું હોઈ સ્ટેશન પર ટ્રેન ની રાહ જોઈ રહ્યું હતું. હું તેમની લગભગ નજીક પહોચી ગયો મેં હરીશ ને શોધ્યો પહેલા તે મને જડ્યો નહી પણ એક બે ક્ષણ મા જ તે દેખાઈ આવ્યો, તેનો પહેરવેશ લાલ શર્ટ (તૂટલાં બટન વાળું) અને ઘસાયેલું કોટન પેન્ટ, પગમાં સ્લીપર આમ તો લફંગા ટાઇપ નો ડ્રેસ તેને પહેરવાનો હતો,  પણ ખરેખર પણ આ તેનો કાયમ નો પહેરવેશ હતો. એટલે મને કઈ નવું લાગ્યું નહિ અને ખરેખર કહું તો હું પણ આવાજ કપડા પહેરતો.

હરીશ પ્લાન મુજબ તે ફેમીલી ની નજીક થી એકદમ ઝડપ ભેર ચાલતો મારી તરફ ધસી આવ્યો અને જોર થી મને અથડાયો. તે અથડાયો ને હું બે કદમ પાછળ ધકેલાયો. હું  મારું બેલેન્સ જાળવવા જાઉં તે પહેલા તેને મને ધક્કો માર્યો : “દિખતા નહિ હે કુત્તે”

હું ગુસ્સામાં :”કુત્તે, કિસકો બોલા”

હરીશ :”તેરે બાપ કો”

હવે હું તેની તરફ ધસી ગયો અને એક તેના લમણા માં ઝીકી દીધી. બીજી જ ક્ષણે હરીશ પ્લેટફોર્મ ની ફર્શ પર જોર થી પટકાયો. આ બધું પેલી ફેમીલી અને બીજા લોકો જોવા ટોળું વળી ગયું. લાગ જોઈ મેં હરીશ ની તરફ ઈશારો કર્યો અને તરત જ તેને મને કર્યો અમે બંને છુટ્ટે હાથે એક બીજા ને દેવા લાગ્યા. અને પછી તો જે ટોળું થયું છે???? બસ બીજું શું જોઈએ અમને, અમારો પ્લાન નંબર ૨ ચાલુ થઇ ગયો બાબુ, પકો અને નીરુ બ્લેડ લઇ પોતાના કામે લાગી ગયા, જેટલા નું ધ્યાન અમારી મારા મારી પર હતું એક પછી એક બધાના ખીસા, લેડીસ ની બેગ, ચેઈન, મોટો સમાન જેના પર કોઈ નું ધ્યાન ના હોય તે બધી વસ્તુ એક પછી એક ટપોટપ ઉઠવા માંડી.

હવે પ્લાન નંબર ૩ મારા ખાસ વિકાસ અને અમર સંભાળવાના હતા. તેમનુ કામ હતું ટોળા ની બંને બાજુ દુર ઉભા રહી દેખરેખ કરવાનું અને અને લુટેલો બધો સમાન જે બાબુ, પકો અને નીરુ લાવે તેને રફેદફે કરી દેવાનો. અને તે મુજબ વિકાસ અને અમર ને જે સમાન મળ્યો કે તરતજ તે સ્ટેશન બહાર જેને જ્યાં રસ્તો મળ્યો તેમ અમારી અખ્ખી ટીમ નીકળી ગઈ. અને અને અમને સિગ્નલ મળી ગયો એટલે ટોળા માંથી કોઈ ની બુમ પડે તે પહેલા સિફત થી તેમ હરીશ અને હું પોત પોતાના રસ્તે ફટાફટ નીકળી ગયા.

આ ડ્રામા-કાંડ પતતા લગભગ છો મિનીટ થઇ હવે મેં સ્પિડ પકડી, ઝડપ ભેર જે તરફ પ્લેટફોર્મ પૂરું થતું હતું તે તરફ નીકળી ગયો. મને ચાલતા ચાલતા મારા મોઢા પર જાણે કોઈ  શેતાન હસતો હોય તેમ શૈતાની હાસ્ય આવવા લાગ્યું. હું વિચારવા લાગ્યો કેવા ઉલ્લુ બનાવ્યા બધાને!!!!! જબરજસ્ત…. આવું કોઈને છેતરવા માં મારું મગજ જોરદાર ચાલતું. આની પહેલા કેટલીક દુકાનો, કેટલાક બગીચા માં, કેટલાય સિનેમાઘર માં મેં લુટ મચાવી હતી. મને કાયમ કોઈને છેતર્યા પછી અંદર જાને ગલીપચી થતી હોય તેવું લાગતું. અને આજે પણ તેવા જ અહેસાસ સાથે હું નીકળી ગયો. વિચાર્યું મકાનની ખોલી પર જઈ કપડા બદલી કલાક પછી ભેગા થઇ લુટ નો ભાગ પાડી દઈશું. અને લૂટનો ભાગ પાડવા ની જે ખુશી મળે, આ હા હા હા…. મઝા આવી જાય બધાને એટલી ખુશી થાય કે પુછો જ નહી…. મેં માનો મન નક્કી કર્યું હતું કે આજે લુંટના પૈસા ને બદલે આજે જે બ્રાન્ડેડ કપડા અને જે વસ્તુઓ મેં પહેરી છે તે લઇ લઈશ કારણકે મને લાગ્યું કે આ કપડા માં હું વધારે સુંદર દેખાઉં છું. બસ આ બધુ વિચારતો વિચારતો ખુશ થતો થતો હું નીકળ્યો. પણ મને ખબર ન હતી કે કદાચ આ છેલ્લી લુંટ હતી.

હું ચોરી સફળતા થી થઇ ગઈ એટલે ખુશ તો હતો પણ સાથે ચેતીને ફટાફટ પ્લેટફોર્મ પર ચાલી રહ્યો હતો. થોડે દુર પ્લેટફોર્મ પૂરું થવા આવે ત્યાં સ્હેજ ઢાળ હતો અને તેની જમણી બાજુ રેલ્વે ના પાટા ઓળંગો ને થોડે દુર મારી ચાલી હતી અને તેમાં મારી નાની ખોલી. સામે એક લાલ કલરનો કુરતો પહેરેલો કુલી ટ્રેલર ને ઢાળ ચડાવી ને સામે થી આવતો હતો ને અચાનક મારી નજર એક બાકડા પર પડી તેના ઉપર એક એકલી ત્રણ – ચાર વર્ષ ની  નાની સુંદર છોકરી જોર જોર થી રડી રહી હતી. હું ઉતાવળ માં હતો એટલે હું સ્હેજ બાકડા ને પાછળ છોડી આગળ વધ્યો અને કોઈ પીછો તો નથી કરતું તેની ખાત્રી કરવા પાછળ જોયું અને સાથે સાથે પેલી નાની બેબી તરફ પણ જોઈ લીધું તેની આજુબાજુ કોઈ હતું નહિ. તેનું રડવાનું ચાલુ હોઈ મને થોડું અજુગતું લાગ્યું પણ હમણાં હું તેને પૂછવા જઇ શકું તેમ ન હતો એટલે હું ફટાફટ ઢાળ ઉતરી રેલવી લાઈન ક્રોસ કરી ચાલી તરફ નીકળી ગયો.

ચાલીમાં મારી ખોલી પહેલા માળે હતી. હું પહેલા માળે ગયો એક નાની પેસેજ હતી અને સાથે એક પાળી હતી મારું ત્રીજી ખોલી મારી હતી મેં ફટાફટ ગજવા માંથી ચાવી કાઢી. મારા મકાન ની સામે ની પાળી પર એક નાની તુલસી મેં વાવી હતી. જૂની ચાલી હતી એટલે લાકડા ના જૂની પધ્ધતિ ના દરવાજા હતા. હું તાળું ખોલું અંદર ગયો અને ફટાફટ અંદર થી દરવાજો બંધ કરી દિધો. અને મોબાઈલ, વોલેટ, ચાવી, રૂમાલ વગેરે ટેબલ પર ફેક્યું અને સીધો જ  પલંગ પર પડ્યો, તકિયા ઉપર માથું મૂકી તરતજ આંખો બંધ કરી. જેવી મેં આંખો બંધ કરી મને પેલી બાકડા પર બેઠેલી નાની સુંદર બેબી નો રડતો માસુમ ચહેરો દેખાયો… હું ઝટકા માં ઉઠી ગયો. મને જાણે એવું લાગ્યું કે તે મને બોલાવે છે!!!! તેને મારી મદદ ની જરૂર છે. છે ???? ખરેખર છે ?? એક મિનીટ એવું લાગ્યું કે તેના માબાપ ક્યાંક આજુબાજુ જ હશે…. આ મારો વહેમ છે કે તે ખોવાઈ ગઈ છે, કે છૂટી પડી ગઈ છે. તરતજ બીજો વિચાર આવ્યો કે ખાત્રી કરવા તો જ્વુજ પડશે. મારા મન ની અકળામણ વધતી ગઈ કારણકે મને ખબર છે માબાપ થી ખોવાઈ જવાની આ અકળામણ કેવી હોઈ છે !!! ગભરામણ કેવી હોય છે.

મને આજે પણ યાદ છે એ રાત, કે આજ રેલ્વે સ્ટેશન પરથી હું છૂટો પડી ગયો હતો. કે મારા માબાપ જ મને છોડી ગયા હતા કે પછી હું છૂટો પડી ગયો હતો ?????? પણ ચોક્કસ છૂટો પડી ગયો હતો, માબાપ ના પ્રેમ થી, માના આચળથી, ઘરના આંગણ થી, મારા ભાઈ ની મસ્તી થી, મારી સંભાળ થી, મારા સંસ્કારથી, માસુમિયત થી, અને સૌથી મોટી વાત તે મારા બાળપણ થી…. મારા શરીર માં એક ક્ષણ માટે ધ્રુજારી વ્યાપી ગઈ…..!!! મને એક એક ક્ષણ યાદ છે, હું લગભગ ચાર પાંચ વર્ષ નો હતો… એ દિવસે મને ફક્ત મારા માબાપ જોઈતા હતા.. બસ મનમાં એકજ વાત હતી કે ક્યાય થી પણ ભગવાન મને મારા માબાપ પાછા આપી દે. મને બહુજ ગુંગળામણ થઈ રહી હતી, હું ધ્રુજતો રહ્યો, ચીસો પાડતો, મદદ માંગતો રહ્યો…. પણ કુદરત ની કઈ બીજુ જ મંજુર હતું મેં ત્રણ ચાર દિવસ પ્લેટફોર્મ પર કાઢ્યા પણ કોઈ મળ્યું નહિ.

રોજ સ્ટેશન ના કોઈ ખૂણા માં ગભરાતો, રડતો માંડ માંડ સુઈ જતો, ક્યાંક મનમાં થઇ આવતું કે હમણાં મમ્મી આવશે.. એના ખોળા માં ભરાઈ જઈશ અને તે મારા માથે હાથ ફેરવી સુવાડી દેશે…. માં ની યાદ આવતી અને ફરી આંખો માં પાણી આવી જતું… આમ એકલો એકલો ભટકતો રહ્યો… ક્યાંક દુકાનવાળાની તો ક્યાંક કુલીની, ક્યાંક મુસાફર ની ગાળો મળતી. બે દિવસ પહેલા તો કેવી સુંદર પ્રેમ ભરેલી મારી દુનિયા એકજ ઝટકે બદલાઈ ગઈ હતી. હું દુનિયા માં એકલો, અળખામણો બની ગયો હતો. મને તો ખબર પણ નતી કે કેટલાય જુલ્મ તો હજી આ બે રહેમ દુનિયા પાસે થી સહેવાના બાકી છે.

(  બાકી નો અંક આવતીકાલે : જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.  આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whats App no 7016252600 & 7016252800 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો. )

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: