જો બબીતા જીતીને મંત્રી બનશે અને તમારી સામે આવશે તો શું તમને સરકારી કર્મચારીના નાતે સેલ્યુટ મારવાનું ગમશે ? : હા, ચોક્કસ : ગીતા ફોગટ
વડોદરા- મિ.રિપોર્ટર, ૧૧મી ઓક્ટોબર.
દેશના યુવાનો હાલમાં જીમ જઈને રાતોરાત શરીર બનાવવા માટે જે પ્રકારના સપ્લીમેન્ટરી ફૂડ લે છે, ખુબ જ ખતરનાક છે. આવા ફૂડ થી શરીર બનવવાની સાથે તંદુરસ્ત આરોગ્ય જોખમાય છે. એટલે યુવાનોએ આવા સપ્લીમેન્ટરી ફૂડ થી દુર રહેવું જોઈએ. આરોગ્ય સારુ રાખવા માટે કસરત કરવી જરૂરી છે. પછી તમે અખાડામાં જાવ કે જીમમાં જાવ. દરરોજ ઓછામાં ઓછી 20 મિનીટ તો કસરત કરવી જોઈએ એમ ભારતને પ્રથમ વખત કોમનવેલ્થ ગેમમાં કુસ્તીમાં ગોલ્ડ મેડલ અપાવનાર ગીતા ફોગાટે અત્રે જણાવ્યું હતું.
દેશમાં સ્પોટ્સ હોય, ફિલ્મ દુનિયા હોય કે પછી કોઇપણ ક્ષેત્ર હોય. યુવતીઓનું શોષણ થતું આવ્યું છે. પરંતુ, જો યુવતી મક્કમ હોય અને પોતાનામાં સારું ટેલેન્ટ હોય તો શોષણ થવું અશક્ય છે એમ દંગલ ગર્લ ગીતા ફોગાટે ઉમેરતા જણાવ્યું હતું કે, દંગલ ફિલ્મ આવ્યા બાદ છોકરીઓમાં કુસ્તી સહિત બીજી ગેમોમાં ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને અમારા જેવા સમાજ અને પ્રદેશમાં છોકરીઓને સ્પોટ્સથી દૂર રાખવામાં આવતી હતી. પરંતુ, દંગલ ફિલ્મ આવ્યા બાદ ખાસ કરીને યુવતીઓના પરિવારજનો આગળ આવ્યા છે. અને પોતાની દીકરીઓને અખાડા સહિત સ્પોટસ મોકલતા થયા છે.
સુપરહિટ ફિલ્મ દંગલ જે બહેનોની પ્રેરણા લઇને બની છે. તે ચાર બહેનો પૈકી ગીતા ફોગાટ વિશ્વ કન્યા દિવસે શહેરની જાણીતી પારૂલ યુનિવર્સિટીની મહેમાન બની હતી. હાલમાં હરીયાણામાં જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી રહેલા કુસ્તીબાજ ગીતા ફોગાટે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરામાં પ્રથમ વખત આવી છું. અને તેમાં પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતીઓને સ્પોટ્સમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો મોકો મળ્યો છે. તેનાથી હું ખૂશ છું. યુવતીઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે છે. પરંતુ, યુવતીએ તેના માટે મક્કમ થવું પડશે અને પોતાની ટેલેન્ટ બનાવવી પડશે. મારા જીવનમાં અમે ચાર બહેનોએ ખૂબ સ્ટ્રગલ કરી છે. ભારતને કુસ્તીમાં ગોલ્ડ મેડલ અપાવવાની પ્રેરણા મળી છે.
હરિયાણા વિધાનસભાની ચુંટણીમાં બબીતા ફોગટ ભાજપના ઉમેદવાર તરીકે ઉભી રહી છે, જો તે જીતીને મંત્રી બનશે અને તમારી સામે આવશે તો શું તમને સરકારી કર્મચારીના નાતે સેલ્યુટ મારવાનું ગમશે ? આ પ્રશ્નના જવાબમાં હરીયાણામાં જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી રહેલા કુસ્તીબાજ ગીતા ફોગાટે જણાવ્યું હતું કે, મજેદાર પ્રશ્ન છે. કેમ નહિ, હું સરકારી કર્મચારી છુ, જો તે મંત્રી થશે તો મારે પ્રોટોકોલ નિભાવવો પડશે.
આજે દેશમાં સરકારી સિસ્ટમ સારી ન હોવાના કારણે સ્પોટ્સમેન સુધી સહાય પહોંચતી નથી એમ જણાવતાં કુસ્તીબાજ ગીતા ફોગાટે ઉમેર્યું હતું કે, દેશના સ્પોટ્સમેન માટે સરકારી ક્વોટા વધારવાની જરૂરીયાત છે. જો એમ કરવામાં આવશે તો દેશને વધુ સારા ખેલાડીઓ મળશે.
પારૂલ યુનિવર્સિટીના ડાયરેક્ટર દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, આજે વર્લ્ડ ગર્લ ચાઇલ્ડ ડેના દિવસે યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે જાણીતી રેસલર ગીતા ફોગાટને બોલાવવામાં આવી છે. જે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પોતાના જીવનના સંઘર્ષથી લઇને મેળવેલી સફળતા અંગે ચર્ચા કરશે. આ પ્રસંગે ધ્રુમિલ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.