વડોદરાથી માત્ર 86 કિમી દૂર છે : ઝરવાણી ધોધ ની પણ મઝા માણી શકાય છે
ટ્રાવેલ ડાયરી, મિ.રિપોર્ટર, ૨૨મી મે
ઉનાળું વેકેશન ખતમ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, એમાય ૨૩મી ના રોજ લોકસભાની ચુંટણીના પરિણામો આવી જશે. પરિણામો બાદ નવી સરકારની રચના થશે. આ બધી કામગીરીમાં સંકળાયેલા અધિકારીઓ અને સ્ટાફ પણ પોતાના પરિવાર સાથે એક દિવસની પીકનીક માણીને ને થાક ઉતારી શકે છે. એજ રીતે બિઝનેશ કે નોકરીમાં લાંબી રજાઓ મૂકીશકાય તેમ ન હોવ તો પરિવાર અને બાળકો સાથે બહાર ફરવા માટે વન ડે ટ્રીપ પર જવાની મઝા આવે છે. વન ડે ટ્રિપ માટે તમારે બહુ દૂર જવાની જરુર નથી. વડોદરાથી માત્ર દોઢેક કલાકના અંતરે આવેલ શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે જઈ આવો. અહીં તમને ખળખળ વહેતી નર્મદા, ચારે તરફ ફેલાયેલ વનરાજી અને મંદિરની આસપાસ ફેલાયેલ સુંદરતા તમારું મન મોહી લેશે. એટલુજ નહિ પણ તમને આનંદ અને શાંતિનો અનુભવ થશે.
વડોદરા થી આશરે 86 કિમી દૂર રાજપીપળા પાસે નર્મદા કાંઠે શૂલપાણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર ખાસ્સૂ જૂનું અને શંકર ભગવાનનું અદભુત મંદિર સરદાર સરોવર ડેમથી પણ ખુબ જ નજીક આવેલું છે. મંદિરની સુંદરતા સાથે તેનું બીજુ મહત્વનું પાસુ એ છે કે તે શહેરના ટ્રાફિક ઘોંઘાટથી ખૂબ દૂર નીરવ વનરાજીમાં આવેલું છે. ત્યારે શહેરી લાઈફની ભાગદોડમાંથી એક દિવસ માટે રિલેક્સ થવું હોય તો આ જગ્યા બેસ્ટ છે. આ મંદિરની આસપાસ ગાઢ જંગલ આવેલું છે. જેને ગુજરાતનું સૌથી ગીચ જંગલ હોવાનું માનવામાં આવે છે. અહીં જંગલી પ્રાણીઓનું અભ્યારણ્ય પણ આવેલું છે.આ અભ્યારણ્યમાં વાંસના ઝાડનું જંગલ છે. જેમાં 575 પ્રજાતિના વિવિધતા સભર સુંદર ફૂલો જેવા મળે છે. આ જંગલમાં રીંછ, ચિત્તો, ચિત્તલ, જંગલી શ્વાન જેવા ઘણાં પ્રાણીઓ જોવા મળે છે. આ અભ્યારણ્ય 607.70 ચોરસ કિમીના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે.
મંદિરના પ્રાગણમાં એક સુંદર બગીચો છે જ્યાં તમે પરિવાર સાથે બેસીને વન ભોજનનો આનંદ માણી શકો છે. આ સાથે જ નજીકમાં આવેલ ઝરવાણી ધોધ પણ મુખ્ય આકર્ષણ છે. અહીં જવા માટે શૂલપાણેશ્વર મહાદેવ મંદિરથી થાવડીયા ચેકપોસ્ટ પહોંચવું પડે છે જ્યાં આશરે રુ. 200 જેટલી ફી ભરીને જંગલમાં 7 કિમી જેટલું અંદર જવું પડે છે.