વેન્ટિલેટર પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા પૂર્વ ક્રિકેટર ને સારવાર મળે તે માટે તેની પત્નીએ શું કર્યું ?

Spread the love

મિ.રિપોર્ટર, ૨૧મી જાન્યુઆરી. 

બાઈક પર જઈ રહેલા અજાણ્યા વાહને ટક્કર મારતા ભારતીય ટીમના પૂર્વ ભારતીય ક્રિકેટર જેકોબ માર્ટિન વડોદરાની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર ગત 28મી ડિસેમ્બરથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.  પતિની બગડતી તબિયત જલ્દી સુધરે અને તેનો જીવ બચાવી શકાય તે માટે પત્ની ખ્યાતિ માર્ટિને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ (BCCI)ને પત્ર લખીને તાત્કાલિક  આર્થિક મદદની  માગણી કરી છે.

હાલમાં જેકોબ માર્ટિન જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેણે પૈસા ન ચૂકવાતા સારવાર કરવાથી ઈનકાર કરી દીધો છે. તે બાદ જેકોબ માર્ટિનની પત્ની ખ્યાતિ માર્ટિને BCCIના સીઈઓ રાહુલ જોહરીને શનિવારે સવારે લખેલા પત્રમાં લખ્યું કે, માર્ટિન વેન્ટિલેટર પર હોવા છતાં પણ ગઈકાલથી તેમણે હોસ્પિટલે દવાઓ આપવાનું બંધ કરી દીધું છે. હું તમને શક્ય તેટલી ઝડપી મદદ મોકલવા માટે અરજી કરું છું, જેથી હું તેમની લાઈફ બચાવી શકું. ઈમરજન્સીના કારણે હું તમને અપીલ કરું છું કે તમે સ્ટર્લિંગ હોસ્પિટલના બેંક ખાતામાં પૈસા ડિપોઝિટ કરી આપો. BCCIએ તરત જ 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે,  જે હોસ્પિટલમાં જેકબ દાખલ છે, તે હોસ્પિટલના ડોક્ટર્સના જણાવ્યા મુજબ,  જેકબને હોસ્પિટલમાં સારવાર આપવાનો રોજનો ખર્ચ 70,000 રૂપિયા છે અને તેમની ગંભીર સ્થિતિને જોતા હજુ 2-4 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રાખવા પડશે.