અમે છેલ્લીવાર મળ્યાય નહીં, બસ એવી ખબર આવી કે અનુ લગ્ન કરી સાસરે જતી રહી. હું એને ભૂલવા મથતો રહ્યો….

Spread the love

 

બિટવીન ધી લાઈન્સ

(હવે થી માત્ર દર રવિવારે)

લેખિકા : અલ્પા જોષી

સંવાદો સ્ટેજ પર ચાલતા ગયા. પ્રો. રાવ નાટકના સંવાદ બહારની લાઈનો પંક્તિને ઉદ્દેશી કહેવા માંડ્યા જેનો અર્થ પંક્તિનેય ખબર ન પડી. એ એવું સમજી કે કદાચ પ્રો. રાવે નાટક લંબાવ્યું હશે. તાળીઓના ગડગડાટથી નાટકને વધાવી લેવાયું. નાટક પૂરું થયા પછી પ્રોગ્રામ આગળ ચાલ્યો. પંક્તિ ડ્રેસ બદલી પ્રેક્ષકગણમાં આવી ગઈ. એણે અનુને શોધી લીધી.

‘મમ્મી કેવું લાગ્યુ નાટક? મારો અભિનેય કેવો હતો?’

‘મસ્ત બેટા, બહુ જ મસ્ત.’

પ્રોગ્રામ પત્યા પછી બધા છૂટા પડ્યા. અનુરાધા અને પંક્તિ ઘરે જવાની તૈયારી કરતા હતા એટલામાં પાછળથી બૂમ સંભળાઈ ‘પંક્તિ!’ પંક્તિએ પાછળ જોયું તો પ્રો. રાવ હતા. ‘વાહ દીકરા, બહુ જ સરસ અભિનય કર્યો તેં!’ બાજુમાં અનુરાધા ઊભી છે એ તો એમણે પછી જોયું.

‘થેંક્યુ સર. આ મારી મમ્મી છે. અનુરાધા મહેતા!’ પચીસ વર્ષ પછી પ્રો. આનંદ અને અનુરાધાનું મળવું કંઈક અલગ જ અવસ્થામાં પહોંચાડતું હતું. નમસ્તે કરી અનુરાધાએ પ્રો. રાવનું અભિવાદન કર્યું. પ્રો. રાવથી ચૂપ ન રહેવાયુ. એમણે સઘળા આવરણ તોડી પૂછી જ નાંખ્યું. ‘તમે અનુરાધા પંડ્યા તો નહીં?’ અનુરાધાએ ભીની આંખે માથું હકારમાં નીચું નમાવ્યું, ‘ને તમે આનંદ રાવ, ખરુ ને?’ બંને પચ્ચીસ વર્ષે મળ્યા.

‘મમ્મી તું સરને ઓળખે છે? સર તમેય મમ્મીને ઓળખો છો? કેવી રીતે એ તો કહો?
અનુરાધાએ કહ્યું, ‘અમે કોલેજમાં સાથે ભણતા.’

‘તો ચાલો ઘરે? મમ્મીના ફ્રેન્ડ તરીકેય તમારે આવવું પડશે.’
આનંદે લાગણી છુપાવ્યા વગર જ કદી દીધું, ‘જરૂરથી આવીશ. આજે સાંજે જ. તું ચા બનાવી રાખજે.’

ત્રણે જણ હસીમજાક કરી છૂટા પડ્યા. રસ્તામાં પંક્તિ અનુરાધાને પૂછતી રહી પ્રો.આનંદ વિશે, એના નાટક વિશે, કોલેજ વિશે, પણ અનુ તો બીજા જ વિશ્વમાં પહોંચી ગઈ. આજે એ બહુ જ ખુશ હતી. એ સાંજની રાહ જોવા માંડી. ‘‘આનંદે’’ તો આનંદ, આંનદ કરી દીધો અનુના મનમાં.

સાંજે સાડા પાંચ વાગ્યે આનંદ અનુને ઘરે આવ્યો. પંક્તિ હાજર ન હતી એટલે આનંદ-અનુ અંગત વાત કરવાનો અવકાશ હતો.
‘આવો આનંદ. કેમ છો?’
‘મજામાં જ છું. તું કેમ છે?’
અનુ રડી પડી. ‘હું થાકી ગઈ સંઘર્ષ કરીને.’
‘હુય એકલતાની આંટીએ કચડી મર્યો છું. અનુ, પંક્તિ તો અસલ જાણે તું જ છે. બધુ તારામાં છે એવું?’
‘આનંદ, છે નહીં હતું! હવે ક્યાં એવી છું.’

‘ના, અનુ તું એવી જ છો. ‘પંક્તિ’ નામ સાંભળીને જ મારું મન હિલોળે ચઢ્યું હતું કે આ ‘પંક્તિ’ નામ તો મારું દીધેલું. તેં તો આપણા પ્રેમને નવું જીવન આપી દીધું! બધુ સહન એકલી કરતી રહી. મને કશું કહેવા લાયક ન ગણ્યો.’
પંક્તિ દાદર ચઢતી જ હતી ત્યાં આ સંવાદો એના કાને પડ્યા. એ ત્યાં જ થંભી ગઈ.
‘અનુ, તારું જીવન બગાડનાર હું જ તારો અપરાધી.’

વાત કાપીને અનુએ કહ્યું, ‘ના આનંદ. આ તો બધુ ભાગ્યનું કામ, આપણું નહીં. તું તારી જાતને દોષી ન માન. અને હવે માનીશ તોય શું સુધારો કરી શકવાનો હતો તું? જીવન તો પૂરુ થયું.’ આનંદ ચૂપ થઈ ગયો. શાંત વાતાવરણ જોઈ પંક્તિએ બારણું ખખડાવ્યું. ‘આવી ગયા સર?’
‘હા બેટા. ક્યાં ગઈ હતી તું?’
‘ફ્રેન્ડની સાથે બજારે ગઈ’તી. મમ્મી, તેં ચા બનાવી કે નંઈ?’

‘ના બેેટા. બસ બનાવું જ છું.’
‘તું બેસ, હું બનાવી લઉં છું. લાંબા ગાળા પછી બે મિત્રો મળ્યા છો. જૂુની યાદો તાજી કરો. હું ચા લઈ આઉં.’
પંક્તિ જાણી ગઈ કે આ મિત્રો નહીં પણ  વિખૂટા પડેલા સંગાથી હતા. કદાચ એટલે જ તો સર એકલા નથી રહેતા ને? કદાચ એટલે એમણે લગ્ન ન કર્યાં હોય. આટલો સરસ માણસ અને લગ્ન ના કર્યાં, કેમ?

આનંદ ચા પીને રવાના થયો પણ અનુને મળ્યા પછી એની બેચેની વધી ગઈ. અનુય હવે વિચારે ચઢી જતી. કામમાં મન ન લાગતું. તેના વ્યવહારમાં થયેલો બદલાવ પંક્તિ પામી ગઈ, પણ એને શું કરવું એ સમજાતું ન હતું.

એક રાતે એને ઊંઘ ન આવી એટલે એણે ટીવી ઓન કર્યું. એક ચેનલ પર ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મ આવતી હતી. ફિલ્મ એના માઈન્ડમાં ઝબકારો કરાવી ગઈ. એના પ્રશ્નનો ઉત્તર એને મળી ગયો. એ નિરાંતે સૂઈ ગઈ એ નિશ્ચિત કરીને કે કાલે પ્રો.રાવને એ મળી બધી જ વાત કરી દેશે. કદાચ એ ના પાડે તો? એમની વાત પરથી તો એવું લાગતું હતું કે એ મમ્મીને આજેય ચાહે તો છે જ. ચાલ, હવે આર યા પાર! મમ્મી માટે હું આટલુંય ના કરી શકું તો મને દીકરી બનવાનો કોઈ હક્ક નથી. મમ્મીની જિંદગી હવે શરૂ થશે.

પંક્તિ રોજ કરતા વહેલી ઊઠીને ફટાફટ તૈયાર થઈ ગઈ. દૂધ પણ ન પીધું ને કોઈ દિવસ ન કરે એ કામ કર્યું. મંદિરમાં લાલાને પગે લાગી. એ ઉતાવળે એના સેન્ડલ પહેરવા લાગી. અનુએ ટોકીય ખરી કે ‘આજે શું છે પંકુ? પરીક્ષા છે?’

‘હા, બહુ મોટી. તુંય લાલાને કે’જે. હું જાઉં છું. સાંજે મળીશ.’
કોલેજમાં પ્રો. રાવ આવ્યા કે તરત પંક્તિએ એમને પૂછ્યું, ‘સર તમે ક્યારે ફ્રી છો?’
‘કેમ, કંઈક કામ?’
‘હા, કામ છે. તમે ફ્રી થાઓ એટલે કહું.’

પ્રો. રાવ ઓકે કહી ક્લાસમાં ગયા. દોઢ કલાક પછી આવ્યા. પંક્તિએ હિંમત ભેગી કરી પૂછી નાંખ્યું, ‘સર તમે મમ્મીને પહેલેથી જ ઓળખો છો? શું તમે નાટકમાં ભજવેલા પાત્રને જીવંત બનાવી દેશો.’ પ્રો. રાવ કંઈક સમજે પહેલાં જ પંક્તિએ ફરી બીજો ધડાકો કર્યો. ‘તમે મારા પપ્પા બનશો?’

આનંદ વિમાશણમાં પડી ગયો. એણે પંક્તિને ગળે વળગાડી લીધી. ક્યા સુધી બંને પિતાપુત્રી એકબીજાને હેતાળ લાગણીથી ભીંજવતા રહ્યા. પછી સ્વસ્થતા કેળવી આનંદે કહ્યું, ‘તારી મમ્મી નહીં માને.’
‘આપણે બે થઈને એને મનાવીશું. તમે મારી સાથે છોને?’

‘હા, જો એ રાજીખુશીથી તૈયાર થાય તો જરૂર. પણ હું જાણું છું એ નહીં માને.’
‘મારા કરતા વધારે તમે એને જાણો છો પણ હવે મમ્મીએ પણ પોતાની જિંદગી જીવવાની ઈચ્છા પૂરી કરવી જ પડશે. હુંય જીદ્દી છું.’

આનંદથી બોલાઈ ગયું, ‘અનુ જેવી?’
‘કેમ સર, અનુ જેવી?’

‘અમે કોલેજમાં સાથે ભણ્યા. અનુ મારાથી એક વર્ષ નાની હતી. ગૃપમાં સાથે ફરતાં. એને બધાં જ શોખ હતાં. ગીત-સંગીત, અભિનય, સેવાકાર્ય, એ બધામાં આગળ. હું જરા મુડી ટાઈપનો. મારું શાંત રહેવું અનુને ગમતું. જાણે એ ઉછળતી નદી ને હું ગંભીર પર્વત. બસ એક દિવસ અનુએ મને બધાની વચ્ચે જ કહી દીધું. ‘આનંદ તું મને મળે છે તો મને કંઈક થઈ જાય છે. કદાચ આ લાગણી પ્રેમ હોઈ શકે.’ હું શરમાળ સ્વભાવનો હતો એટલે કશું જ ન બોલ્યો પણ મેં મૂક સંમતિ દર્શાવી દીધી. અનુ મારામાં ઓતપ્રોત રહેવા માંડી.

એના સપનાનો માર્ગ હું બની ગયો. અમે બે વર્ષ જોડે રહ્યાં. હું હંમેશા એને સમજાવતો, અનુ આપણે એક નહીં થઈ શકીએ. પણ અનુ જીદ્દી હતી. તે કહેતી, ‘ના હું એ કરીને બતાવીશ.’ અનુ ના ઘરેથી લગ્નનું દબાણ થવા માંડ્યું. અનુ જીદે ચઢી. ‘આનંદ, મમ્મી પપ્પાને મળવા તો આવ? તેઓ ન માને તો ભાગી જઈશું.’ હું કાયર હતો. પરિસ્થિતિ સામે લડવાની હિંમત મારામાં ન હતી એટલે હું ન અનુના ઘરે મળવા ગયો, ન ભાગવાની વાતમાં સંમતિ બતાવી.

અનુને મારા વર્તનથી આઘાત લાગ્યો. મારા ડરપોકપણાનો ગુસ્સો એણે એની જાત ઉપર ઉતાર્યો. મારી સાથે વેર વાળવા અે એના જ્ઞાતિના છોકરા સાથે પરણી ગઈ. અમારો પ્રેમ ક્યાંક પાતાળે પહોંચી ગયો. મારી બેવકૂફીથી હું એને ખોઈ બેઠો. જોકે મારી કમાણીનું કંઈ જ સાધન ન હોવાથી હું હારી ગયો હતો.

અમે છેલ્લીવાર મળ્યાય નહીં, બસ એવી ખબર આવી કે અનુ લગ્ન કરી સાસરે જતી રહી. હું એને ભૂલવા મથતો રહ્યો. અભ્યાસ પૂરો કરી કોલેજમાં નોકરીની શોધ કરી. એની યાદો સુરતમાં જીવવા નહોતી દેતી એટલે અમદાવાદ નોકરી શોધી. વર્ષો વીતતા ગયા, પરિવારની જવાબદારી પૂરી કરી મા-બાપને સાચવ્યા. ભાઈઓને ભણાવ્યા, બેનના લગ્ન કર્યા પણ અંતે તો હું એકલો રહી ગયો. લગ્ન કરવા માટે પરિવારનું દબાણ થયું…..(ક્રમશઃ..)….

આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 or 7016252800 પર મોકલી આપો.