મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી ડિસેમ્બર
સમગ્ર દેશમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે સરકાર પર દબાણ લાવવા માટે ધર્મસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 9 ડિસેમ્બરે વડોદરામાં વિરાટ ધર્મસભાનું આયોજન નવલખી મેદાનમાં કરવામાં આવ્યું છે. રામ મંદિર નિર્માણ દરેક હિંદુઓનું સ્વપ્ન છે. જ્યાં સુધી મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થાય નહીં. ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટનો ચૂકાદો પણ હિંદુઓની તરફેણમાં આવશે તેવો અમોને વિશ્વાસ છે. પરંતુ આ ચુકાદો વહેલી તકે આવે તે માટે આંદોલન કરવાની ફરજ પડી છે. શ્રીરામ મંદિર નિર્માણ માટે વી.એચ.પી. કંઇ પણ કરવા માટે તૈયાર છે તેમ વી.એચ.પી.ના ગુજરાતના સેક્રેટરી અશોક રાવલે અત્રે જણાવ્યું હતું.
9 ડિસેમ્બરે વડોદરાના નવલખી મેદાનમાં વિરાટ ધર્મસભા યોજાશે. જેમાં ધર્મસભાના મુખ્ય વક્તા વી.એચ.પી.ના કેન્દ્રીય મંત્રી ઉમાશંકરજી શર્મા હાજર રહેશે. આ અંગે વિશ્વ હિંદુ પરિષદના ગુજરાતના સેક્રેટરી અશોક રાવલે જણાવ્યું કે, શ્રી રામ મંદિર માટે વી.એચ.પી. વર્ષોથી આંદોલન ચલાવી રહી છે. અને આ આંદોલન જ્યાં સુધી મંદિર બને નહિં ત્યાં સુધી ચાલશે. ધર્મસભામાં મુસ્લિમ ધર્મના નેતાઓ આવશે તો આવકાર્ય છે. 1 લાખ ઉપરાંત લોકો આવે તેવું અનમાન છે. 500 વર્ષથી શ્રીરામ મંદિર માટે યુદ્ધ ચાલે છે. મંદિર માટે દરેક હિંદુ ધર્મની રામરાજ્યની કલ્પના છે. તે પૂરી થઇને જ રહેશે. આ ધર્મસભામાં હાજર રહેવા માટે અને શ્રીરામ મંદિરના નિર્માણ માટે વી.એચ.પી દ્વારા સાંસદોને આવેદન પત્ર આપવામાં આવશે. સાંસદોને આવેદન પત્ર આપવાથી ખબર પડશે કે, કેટલાં સાંસદો રામ મંદિરની તરફેણમાં છે.