વડોદરામાં પાણી પાણી : ચાર કલાકમાં 12 ઈંચ વરસાદ, 50થી વધુ સોસાયટી પાણીમાં ગરકાવ અને જનજીવન ખોરવાયું

એમ.જી. રોડ, માંડવી-ગેંડીગેટ રોડ,  પાણીગેટ રોડ, રાવપુરા સહિત વિવિધ માર્ગો ઉપર પાણી ભરાયા : બસ સેવા બંધ : શહેરના અનેક વિસ્તારોમાં શોર્ટ સર્કીટને કારણે વીજપુરવઠો ખોરવાયો : લોકોના ઘરમાં પાણી ઘુસ્યા, વાહન ચાલકો અટવાયા

વડોદરા – મી.રિપોર્ટર, 31મી જુલાઈ.

શહેરમાં છેલ્લા 24 કલાક થી ધીમે ધીમે વરસી રહેલા મેઘરાજાએ અચાનક જ ધોધમાર બેટિંગ શરૂ કરતાં જ માત્ર ચાર કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 18 ઇંચ વરસાદ નોંધાયો છે. જેને પગલે 50થી વધુ સોસાયટી પાણીમાં ગરક થઈ ગઈ છે અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. જ્યારે 15 વૃક્ષો ધરાશાયી થયા છે. હાલ જનજીવન પણ ખોરવાયું છે.

શહેરમાં મોડી રાતથી અવિરત ધીમીધારે વરસી રહેલા વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સતત ચાલુ રહેલા વરસાદને કારણે સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી હતી. વહેલી સવારે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરી ધંધાર્થે જતા લોકો અટવાઇ ગયા હતા. વરસાદને પગલે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી રહી હતી. તો બીજી બાજુ શ્રમજીવીઓ, પથારા, ખાણી-પીણીની લારીઓ ચલાવીને ગુજરાન ચલાવનારની હાલત કફોડી બની ગઇ હતી. સતત વરસાદને કારણે ઝૂંપડાવાસીઓની હાલત પણ દયનીય બની ગઇ હતી.શહેરમાં સતત વરસી રહેલા પગલે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં નાના-મોટા વૃક્ષો જમીનદોસ્ત થવાની ઘટનાઓ બની છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં શોર્ટ સર્કીટ થવાના કારણે વીજપુરવઠો ખોરવાઇ ગયા હોવાના અહેવાલો મળ્યા છે. ફાયર બ્રિગેડ અને વીજ કંપનીની ટીમો ખડેપગે કોલ મળતાજ સ્થળ પર પહોંચી કામગીરી કરી રહી છે.

માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો ની મુશ્કેલી વધી

શહેરમાં ધોધમાર વરસી રહેલા વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારો જળબંબોળ બની ગયા છે. શહેરના નિચાણવાળા વિસ્તારો એમ.જી. રોડ, માંડવી-ગેંડીગેટ રોડ, વાડી ટાવર, પાણીગેટ રોડ, રાવપુરા, દાંડિયા બજાર રોડ સહિત શહેરના વિવિધ માર્ગો ઉપર પાણી ભરાઇ ગયા છે. સયાજીગંજ અને અલકાપુરીને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતાં સંપર્ક વિહોણો બની ગયો છે. વાહન ચાલકોને અન્ય માર્ગ ઉપરથી જવાની ફરજ પડી રહી છે.

ગટરોના પાણી ફ્લેટનું અંડરવોટર ટાંકી ના પાણીમાં મિક્સ થયા

ભારે વરસાદને પગલે વડોદરાના ગોત્રી વિસ્તારમાં ટી.બી. હોસ્પિટલ સામે આવેલી લક્ષ્મીદાસ નગર-2, રૂપલ પાર્ક, નવનાથ નગર સહિત વિવિધ સોસાયટીઓમાં રોડ ઉપર ભરાયેલા પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે સર્જાતી સમસ્યાને કારણે સોસાયટીના મકાન માલિકોએ ઘરના દરવાજા પાસે ઉંચી પાળી બનાવેલી છે. આજે ભારે વરસાદના પગલે રોડ ઉપર ભરાયેલા પાણી પાળી ઓળંગીને ઘરમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આ ઉપરાંત ડ્રેનેજ લાઇનો અને વરસાદી ગટરો ચોકઅપ થઇ જવાના કારણે પાણીનો નિકાલ ન થતાં ઘરના ટોયલેટોમાંથી પાણી ઉભરાઇને ઘરમાં આવી જતાં લોકો દયનીય હાલતમાં મુકાઇ ગયા છે.

શહેરના ચકલી સર્કલ પાસે ઝાડ પડતા ત્રણ વ્યક્તિઓ દટાયા

લાંબી રાહ જોવડાવ્યા બાદ વડોદરા શહેર-જિલ્લામાં મેઘો મનમૂકીને વરસી રહ્યો છે. આજે બપોરે 12 વાગ્યા બાદ મેઘરાજાએ મનમૂકીને વરસવાનું શરૂ કરતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ભારે વરસાદને પગલે શહેરના મુખ્યમાર્ગો ઉપર ઠેર-ઠેર પાણી ભરાઇ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. સતત વરસાદને કારણે વેપાર-ધંધા ઉપર પણ અસર જોવા મળી હતી. કેટલાંક વેપારીઓ દુકાનો બંધ કરીને ઘરે ચાલ્યા ગયા હતા.શહેરના રેષકોર્સ ચકલી સર્કલ પાસે આવેલ તોતીંગ વૃક્ષ પડતા ત્રણ રાહદારીઓ દટાઇ ગયા હતા. જોકે, તેઓને સામાન્ય ઇજા પહોંચી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં તુરતજ સ્થળ પર પહોંચી ગયા હતા. અને રોડ પડેલા ઝાડને દૂર કરી દીધું હતું. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે 15થી વૃક્ષો જમીનદોસ્ત થઇ ગયા હોવાના અહેવાલો મળ્યા હતા.

વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 13 ફૂટ થઈ

ભારે વરસાદને પગલે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીમાં વરસાદનું પાણી ઠલવાતા નદીની સપાટી 13 ફૂટે પહોંચી ગઇ હતી. આ સાથે શહેરના ખાલીખમ તળાવો પણ ભરાઇ ગયા હતા. શહેરના માર્ગો ઉપર ભરાયેલા પાણીના પગલે શહેરી બસ સેવા બંધ કરી દેવાની ફરજ પડી હતી. તો ઓટોરિક્ષા ચાલકોને તડાકો થઇ ગયો હતો.

 

Leave a Reply