દેશની સરહદ ઉપર ફરજ બજાવતા જવાનો માટે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન : બ્લડ કેમ્પમાં 150 થી 200 તબીબો ફરજ બજાવશે
વડોદરા- મિ.રિપોર્ટર, ૧૫મી માર્ચ
શહેરના માંજલપુરમાં આવેલા વ્રજધામ સંકુલમાં 17 માર્ચના રોજ દેશની સરહદ ઉપર ફરજ બજાવતા જવાનો માટે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના જવાનો માટે 1000થી વધુ બ્લડ યુનિટ મોકલવાનું અભિયાન હાથ ધરાશે.
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ જણાવ્યું હતું કે, કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહિદ થયેલા જવાનો માટે દરેક વ્યક્તિ અને દરેક સંસ્થાઓ દ્વારા યથાશક્તિ યોગદાન આપવામાં આવ્યું છે. ત્યારે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન, છાત્ર સાંસદ, વડોદરા શહેર પોલીસ અને સુરક્ષા સેતુના સંયુક્ત ઉપક્રમે નરહરી હોસ્પિટલ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહકારથી દેશના વિરજવાનો માટે બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ દ્વારા 1000થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવાનું આયોજન છે. અને આ તમામ યુનિટ સરહદ ઉપર ફરજ બજાવતા જવાનો માટે મોકલવામાં આવશે. આ બ્લડ કેમ્પ સવારે 10-30 થી સાંજે 7 સુધી ચાલશે. જેમાં 150 થી 200 તબીબો ફરજ બજાવશે. કેમ્પમાં વધુમાં વધુ લોકો ભાગ લે માટે છેલ્લા 20 દિવસથી શોશ્યલ મિડીયા ઉપર કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. જેના પગલે મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી આશા છે.