વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિ.ની વિદ્યાર્થી સંઘની ચૂંટણી જાહેર, 10 ઓગષ્ટે 14 ફેકલ્ટી અને 3 કોલેજોમાં મતદાન યોજાશે

Spread the love

વડોદરા- એજ્યુકેશન, મિ.રિપોર્ટર, ૨૫મી જુલાઈ

વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણી 10 ઓગષ્ટના રોજ જાહેર થતાં કેમ્પસના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તો બીજીબાજુ યુનિ.ના નાના ગ્રુપો પણ વિદ્યાર્થીઓ પર મજબુત પકડ ધરાવતાં નેતાઓ વોટ બેંકનું ગણિત માંડવા અને પોતાની તરફેણમાં સમીકરણ બેસાડવા માટે સક્રિય થઇ ગયા છે. 

આજે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એન.કે.ઓઝાએ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ એમ.એસ. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એન.કે. ઓઝાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી સંઘની ચૂંટણી તા.10-8-019ના રોજ યોજાશે. અને તે અંગેનું આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તા.31-8-019ના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે. તે જ દિવસે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. તા.2-8-019ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. તા.10-8-019ના રોજ સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી મતદાનનો રહેશે. અને તે જ દિવસે બપોરે 3 કલાકથી પેવેલિયન બિલ્ડીંગ ખાતે શરૂ થશે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી સંઘની ચૂંટણીની તમામ તૈયારી કરી દેવામાં આવી છે.

ચુંટણીમાં 40 હજાર જેટલા વિદ્યાર્થીઓ મતદાન કરશે

એમ.એસ. યુનિવર્સિટીમાં 14 ફેકલ્ટી અને 3 કોલેજોમાં ચૂંટણી યોજાશે. જેમાં અભ્યાસ કરી રહેલા આશરે 40 હજાર જેટલા વિદ્યાર્થીઓ મતદાન કરશે. એમ.એસ. યુનિવર્સિટીની ચૂંટણી  પૂર્વે જ આ વર્ષે કોલેજમાં નવા એડમિશન લેનાર વિદ્યાર્થીઓમાં ચૂંટણીને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, વિદ્યાર્થી સંઘની ચૂંટણીને ધ્યાનમાં લઇ વિદ્યાર્થી અગ્રણીઓ અને યુનિ.ના વિવિધ સંગઠનો દ્વારા નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે કેમ્પસમાં નવા વિદ્યાર્થીઓને આવકારતા હોર્ડિંગ્સો લગાવીને પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો.