મતદાન કરવાની જાગૃતિનો વડોદરાનો અલભ્ય કિસ્સો
વડોદરા, મી.રિપોર્ટર, ૨૩મી એપ્રિલ
જાગૃત નાગરિક તરીકે મતદાન કરવાની ફરજને માન આપી વડોદરામાં એક વિશેષ કિસ્સો બન્યો છે. જેમાં સ્ટર્લિંગ હૉસ્પિટલ, વડોદરામાં સારવાર હેઠળ લગભગ દસ જેટલા દર્દીઓની મતદાન કરવાની ઈચ્છાને માન આપી હૉસ્પિટલ દ્વારા વિશેષ વ્યવસ્થા સાથે દર્દીને તેના વિસ્તારના મતદાન મથકે એમ્બ્યુલન્સમાં લઈ જઈ મતદાન કરાવામાં આવ્યું હતું.
આજે મતદાન દિવસ નિમિત્તે વડોદરામાં એક તરફ લોકો સ્વયંભુ રીતે મતદાન કરવા માટે ઉત્સાહી બન્યા ત્યારે સ્ટર્લિંગ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કેટલાક દર્દીઓએ પણ પોતાની મતદાન કરવાની ઈચ્છા હૉસ્પિટલ મેનેજમેન્ટને જણાવી હતી.
મતદાન કરવાના દર્દીઓના ઉમદા સંકલ્પને સાકાર કરવા હૉસ્પિટલ મેનેજમેન્ટે તાત્કાલિક તેમની સારવાર કરતા ડૉક્ટર્સ ટીમની અનુમતી માંગી હતી. દર્દીઓની સારવાર કરતા ડૉક્ટર્સ દ્વારા દર્દીઓની પુન: તપાસ કરવામાં આવી અને તપાસ બાદ દર્દીઓને મતદાન માટે જવાની મંજૂરી આપવામાં આવી હતી.
સ્ટર્લિંગ હૉસ્પિટલ રેસકોર્ષ અને સ્ટર્લિંગ હૉસ્પિટલ- ભાયલીના દર્દીઓને મતદાન કરવાની તેમની ઈચ્છાને માન આપી ડૉક્ટર્સ તરફથી મંજૂરી મળ્યા બાદ હૉસ્પિટલ મેનેજમેન્ટે જરૂરી તમામ વ્યવસ્થા ગોઠવી હતી. તમામ દર્દીઓને વિશેષ એમ્બ્યુલન્સમાં જરૂરી સ્ટાફ સાથે તેમના મતદાન મથકે લઈ જવાયા હતા. સંપૂર્ણ મેડિકલ સુવિધાઓ સાથે તેમને મતદાન કરાવાયું હતુ, જેમાં વિવિધ મતદાન મથકોએ હાજર સ્ટાફ અને પોલિસ કર્મચારીઓનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. દર્દીઓ અને તેમના પરિજનોએ આ પ્રસંગે મતદાન કર્યા બાદ હૉસ્પિટલ મેનેજમેન્ટની સાથે મતદાન મથકે ઉપસ્થિત કર્મચારીઓ અને પોલીસનો આભાર માન્યો હતો.
મતદાન કર્યા બાદ દર્દીઓ એ જણાવ્યું હતું કે, સ્ટર્લિંગ હૉસ્પિટલમાં સારવાર હેઠળ હોવા છતાં તેમના સહયોગથી મતદાન કરવાની ઈચ્છા પૂર્ણ થતાં અમને આનંદ છે. અમે ભારતના નાગરિક તરીકે સૌને અપીલ કરીએ છીએ કે, મતદાન એ નાગરિકની ફરજ છે અને તે અવશ્ય નિભાવવી જોઈએ. હૉસ્પિટલ મેનેજમેન્ટે અમારી વિનંતી ધ્યાનમાં રાખી અને ડૉક્ટર્સ ટીમે અમને મતદાન માટે લઈ જવાની અનુમતિ આપી તે બદલ સૌનો આભારી પ્રગટ કરીએ છીએ.
સ્ટર્લિંગ હૉસ્પિટલ, વડોદરાના ઝોનલ ડિરેક્ટર, અનિલકુમાર નાંબિયારએ આ અંગે જણાવ્યું હતું કે, હૉસ્પિટલમાં સેવા લઈ રહેલા પ્રત્યે દર્દીની સંપૂર્ણ સંભાળ અને સમ્માન જાળવવું એ અમારી ફરજનો ભાગ છે. આજે દર્દીઓએ મતદાન કરવા જવાની ઈચ્છા પ્રદર્શિત કરી શ્રેષ્ઠ નાગરિક તરીકેની ફરજ અદા કરી છે અને તે માટે અમે જે કંઈ પણ વ્યવસ્થા કરી છે એ ભારતના નાગરિકની ઈચ્છાને સમ્માનિત કરવાના એક નમ્ર પ્રયાસના ભાગરૂપે હતી. ડૉક્ટર્સ તરફથી અમને અનુમતિ મળ્યા બાદ અમે દર્દીઓને મતદાન માટે લઈ ગયા હતા. મતદાન કરાવી પુન હૉસ્પિટલમાં તમામ દર્દીઓને લાવવામાં આવ્યા હતા….જુઓ વિડિયો…