વડોદરાની 76 બેઠકો પર મતદાન શરૂ, સાંસદ, ધારાસભ્યો અને શહેર પ્રમુખે મતદાન કર્યું

www.mrreporter.in

રાજનીતિ-વડોદરા,મી.રિપોર્ટર,21મી ફેબ્રુઆરી

વડોદરા મહાનગરપાલિકાની 19 વોર્ડની 76 બેઠકો માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. જેમાં 280 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. લોકો સવારથી જ મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચી ગયા હતા. વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો, શહેર પ્રમુખ વિજય શાહ સહિત ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ મતદાન કર્યું હતું.

www.mrreporter.in

આજે વડોદરામાં 14.46 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.તો બીજીબાજી કોરોનાની દહેશત વચ્ચે આવેલી કોર્પોરેશનની ચૂંટણીના પગલે કેટલાક મતદારો મતદાનની શરૂઆતમાં જ મતદાન મથકો ઉપર આવી પહોંચ્યા હતા અને પોતાના પવિત્ર મતદાનનો અધિકાર પૂર્ણ કર્યો હતો. તો વળી નોકરી-ધંધાર્થે જનાર મતદારો પણ વહેલી સવારે મતદાન કરીને પોતાના કામ ઉપર ગયા હતા.

વડોદરામાં ચાલી રહેલા મતદાનમાં કેટલીક જગ્યાએ એવીએમ મશીન મોડા શરૂ થતાં મતદાન 5 થી 10 મિનિટ મોડું શરૂ થયું હતું. ચૂંટણીના મતદાનમાં 1255 મતદાન મથક પર પ્રીસાઇડિંગ ઓફિસર તથા અન્ય સ્ટાફ મળી 7266 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ સહિતના મતદાન મથકો સહિત ના મતદાન મથકો પર 4000 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

ચૂંટણી વિભાગ દ્વારા કોરોનાની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખી દરેક મતદાન મથક પર હેલ્થ ટીમ રાખવામાં આવી છે, જેઓ થર્મલ ગન દ્વારા મતદારોનું ટેમ્પરેચર માપીને જ પ્રવેશ આપી રહ્યા છે. કોરોનાની દહેશત વચ્ચે ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ તેમજ મતદારો દ્વારા કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. મતદારો માટે ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે મતદાન મથકમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

જોકે પરંતુ કેટલીક જગ્યાએ થર્મલ ગનથી ટેમ્પરેચર માપવાની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી નહોતી, હેલ્થ કીટમાં માત્ર સેનેટાઈઝર અને હેન્ડ ગ્લોઝ હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે, ચૂંટણી વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ દર્દી હોય અને તેઓ મતદાન કરવા માગતા હોય તેની અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. કોરોના પોઝિટિવ દર્દીઓ સાંજના સમયે 5થી 6માં મતદાન કરી શકશે.મતદાન મથકો પર દિવ્યાંગ મતદારો માટે 155 વ્હીલ ચેર ની વ્યવસ્થા કરવામાં આવી છે .

Leave a Reply