એમ.એસ.યુનિમાં VP અને UGS પદ માટે મતદાન નો પ્રારંભ : નિરસ મતદાન થી નેતાઓ ચિંતાતુર

42080 વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કરવામાં આવશે : ઓછુ મતદાન થવાની દહેશતથી ઉમેદવારો ચિંતીત

વડોદરા- મી.રિપોર્ટર, 14 મી ઓગસ્ટ

એમ.એસ. યુનિવર્સિટી માં આજે બુધવારે સવારે 10 કલાકે  વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે મતદાનનો શાંતિપૂર્ણ પારંભ થયો હતો. યુનિ. જી.એસ. અને વી.પી. સહિત 22 બેઠકો ઉપર પોતાના મનપસંદ ઉમેદવારોને ચૂંટી લાવવા માટે સ્ટુડન્ટો ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા માટે કેમ્પસમાં આવી ગયા હતા. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે કેમ્પસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

એમ.એસ. યુનિવર્સીટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે સવારે 10 કલાકથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનનો પ્રારંભ થયો હતો. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ ઉમેદવારોને ચૂંટી લાવવા માટે મતદાન શરૂ થાય તેના એક કલાક પહેલાંજ કેમ્પસમાં આવી ગયા હતા. અને મતદાન શરૂ થતાંની સાથે લાઇનોમાં ઉભા રહી પોતાના પસંદગીના ઉમેદવારને મત આપ્યો હતો.

ભારે વરસાદ અને શહેરમાં આવેલા પૂરના કારણે આ વખતની ચૂંટણીમાં ઉમેદવારોને પ્રચારનો સમય ન મળતા ઉમેદવારો અને વિવિધ સંગઠનો દ્વારા પ્રચાર માટે શોશ્યલ મિડીયાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજે પણ ઉમેદવારોના ટેકેદારો દ્વારા શોશ્યલ મિડીયા ઉપર પોતાના ઉમેદવારને ચૂંટી લાવવા માટે પ્રચાર પ્રસાર ચાલુ રાખ્યો હતો. ચૂંટણી પ્રચારના સાહિત્યોથી કેમ્પસ ઉભરાઇ ગયું હતું.

આ વખતની ચૂંટણીમાં મુખ્ય હરીફાઇ કોંગ્રેસની પાંખ મનાતા એન.એસ.યુ.આઇ. અને જય હો ગઠબંધન અને એજીએસજી તેમજ વીવીએસના ગઠબંધન વચ્ચે છે. ભાજપાની પાંખ મનાતા એ.બી.વી.પી. પણ ચૂંટણી મેદાનમાં છે. પરંતુ, કેમ્પસમનો માહોલ જોતા, એ.બી.વી.પી. ચૂંટણી રેસમાં નથી. આજની ચૂંટણીમાં મતદાન ઓછું થાય તેવી દહેશત ઉમેદવારોને છે. ત્યારે બપોરે 2 કલાક સુધીમાં કેટલું મતદાન થાય તે જોવું રહ્યું.
યુ.જી.એસ. પદ માટે 7 ઉમેદવારો વર્તમાન વી.પી. સલોની મિશ્રા, ધ્રુવિલ ભાટીયા, રાકેશ જાટ, રાકેશ પંજાબી, હર્ષિલ પારેખ અને મોન્ટુ સાકરીયા મેદાનમાં છે. જ્યારે વી.પી. પદ માટે 5 ઉમેદવારો હિના પાટીદાર, પ્રાચી બારોટ, કક્ષા પટેલ, બિનલ ઠાકોર અને પ્રિન્સી પટેલ મેદાનમાં છે. આ ઉપરાંત વિવિધ ફેકલ્ટીના જી.એસ. અને એફ.આર.ની 22 બેઠક માટે 99 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.