મી.રિપોર્ટર પોર્ટલ દ્વારા અમેરિકા-એટલાન્ટાની ગોકુલધામ હવેલીના દર્શન કરો : ગોકુલધામ હવેલી 9 મે થી દર્શન માટે પુન: શરૂ કરાઇ

www.mrreporter.in
Spread the love

એટલાન્ટાની ગોકુલધામ હવેલીએ કોરોના મહામારીમાં નિભાવી સામાજિક જવાબદારી : તેજસ પટવા

અમેરિકા-એટલાન્ટા. દિવ્યકાંત ભટ્ટ

વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટા ખાતે ગોકુલધામ હવેલી સ્થપાઇ છે. એટલાન્ટા સહિત આસપાસના શહેરોમાં વસવાટ કરતા ભારતીય-ગુજરાતી સમુદાયમાં આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બનેલી આ ગોકુલધામ હવેલીમાં સમયાંતરે ધાર્મિક,સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજાતા રહે છે. આ હવેલીએ કોરોના મહામારીની આપદા વેળા એટલાન્ટામાં અભ્યાસ માટે આવેલા ગુજરાતી જરૂરિયાતમંદ ભારતીય-ગુજરાતી વિદ્યાર્થીઓને ભોજનની સુવિધા પૂરી પાડી સામાજિક જવાબદારી સુપેરે નિભાવી ઉમદા કાર્ય કર્યું છે.

મિ.રિપોર્ટર ન્યૂઝ વેબપોર્ટલ દ્વારા રવિવારે એટલાન્ટાના સમય મુજબ સવારે 8.40 થી 9.15 વાગ્યા સુધી ગોકુલધામ હવેલીના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા સાથે લાઇવ ઇન્ટરવ્યૂનો સેશનનું આયોજન કરાયું હતું. મિ.રિપોર્ટર ન્યૂઝ વેબ પોર્ટલના એડિટર ઇન ચીફ ધીરજ ઠાકોર દ્વારા કોરોના મહામારી દરમિયાન ગોકુલધામ હવેલીની ભૂમિકા તેમજ કોરોના મહામારીના સમયમાં હવેલી ખાતે વૈષ્ણવ શ્રદ્ધાળુઓ માટે દર્શનની કરાયેલી વ્યવસ્થા અંગે પૃચ્છા કરી હતી.

તેજસ પટવાએ જણાવ્યું હતું કે, એટલાન્ટામાં માર્ચ મહિનામાં કોરોના મહામારીના કેસો વધવા લાગ્યા હતા ત્યારે ભારતીય એમ્બેસી દ્વારા ગોકુલધામનો સંપર્ક કરાયો હતો. ભારતીય એમ્બેસીએ એટલાન્ટામાં સ્ટુડન્ટ વિઝા દ્વારા અભ્યાસ માટે આવેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે શું વ્યવસ્થા કરી શકાય તે અંગે પૂછતાં ગોકુલધામ હવેલી તરફથી એમ્બેસીના અધિકારીઓને વિદ્યાર્થીઓ માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરવાની ઓફર કરાઇ હતી. ત્યારબાદ ભારતમાંથી વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ દ્વારા હવેલીનો સંપર્ક કરી તેમના બાળકોના ભોજન અંગે ચિંતા કરાતાં ગોકુલધામ તરફથી જરૂરિયાતમંદ ભારતીય વિદ્યાર્થીઓને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું.

તેજસ પટવાએ વધુમાં ઉમેર્યું હતું કે, કોરોના મહામારીને કારણે જ્યોર્જિયા સ્ટેટ ગર્વમેન્ટની સૂચનાથી ગોકુલધામ હવેલી તા.28 માર્ચથી તા.8 મે સુધી દર્શન માટે બંધ કરાઇ હતી.ત્યારબાદ હવેલી શરૂ કરવા ગર્વમેન્ટની મંજુરી મળતાં સરકારી ગાઇડલાઇન અને હેલ્થ ડિપાર્ટમેન્ટની સૂચનાઓનું પાલન કરી તા.9 મે થી હવેલીમાં દર્શન પુન: શરૂ કરાયા છે. હવેલી સેનેટાઇઝ કરી દર્શન સમયે ખોલવામાં આવે છે. માસ્ક પહેરીને ફરજિયાત આવવાની સૂચના અપાઇ છે. આ ઉપરાંત સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા 6 ફુટના અંતરના માર્ક કરી હવેલીમાં એક સાથે એક જ પરિવારના સભ્યોને દર્શન માટે એન્ટ્રી આપવામાં આવે છે. 

કોરોના મહામારીની આ પરિસ્થિતિમાં હેલ્થ ડિપાર્ટમેન્ટની સૂચનાનું પાલન કરવામાં આવે છે. જેના હેઠળ હાલ હવેલીમાં રોજ બપોરે રાજભોગના દર્શન સમયે તેમજ શનિવારે સાંજે અને રવિવારે બપોરે દર્શનાર્થી વૈષ્ણવો માટે કરાતી મહાપ્રસાદની વ્યવસ્થા હાલ પૂરતી બંધ કરાઇ હોવાનું તેજસ પટવાએ જણાવ્યું હતું.