અમદાવાદ, ૨૬મી નવેમ્બર.
રૂપિયા ડબલ કરી આપવાની સ્કીમો બહાર પાડી રાજ્યભરના લોકો પાસેથી 260 કરોડ રુપિયા જેવી માતબર રકમ ઉઘરાવીને દેશ છોડવાની તૈયારી કરનાર અમદાવાદનો કૌભાંડી વિનય શાહ આખરે નેપાળથી ઝડપાઈ ગયો છે. કૌભાંડી વિનય શાહ કાઠમંડુના એક કેસિનોમાં ગયો હતો, જ્યાં એક કર્મચારી સાથે મારામારી થતાં નેપાળ પોલીસે તેની ધરપકડ કરી હતી અને મામલો બહાર આવ્યો હતો.
કૌભાંડી વિનય શાહની સાથે એક મહિલા પણ ઝડપાઈ છે, જેનું નામ ચંદા થાપા હોવાનું અને તે દિલ્હીના એક સ્પા પાર્લરમાં કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે. વિનય પાસેથી પોલીસને લાખો ડોલર પણ મળી આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિનય શાહ નેપાળમાં જ છૂપાયો હોવાની પોલીસને પહેલાથી શંકા હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વિનય શાહ પોતાના ફોનથી કેટલાક લોકોના સંપર્કમાં હતો, તેના આધારે જ પોલીસે તેનું લોકેશન શોધી નાખ્યું હતું. વિનય કાઠમાંડુની એક હોટેલમાં રોકાયો હતો. તે બંનેએ પતિ-પત્ની બનીને દુબઈ ભાગવાનો પ્લાન બનાવ્યો હતો.
નેપાળમાં શું કર્યું
– બંનેએ નેપાળમાં એક મકાન પણ ખરીદ્યું હતું.
– ચંદાએ ગુજરાતમાં અમદાવાદમાં પણ તેની સાથે કામ કર્યું હતું.
– કરોડોનું ફુલેકું ફેરવ્યા બાદ વિનય ગુજરાતથી દિલ્હી ફરાર થયો અને ત્યાંથી બંન્ને નેપાળ નાસી છૂટ્યા
– નેપાળમાં ઝડપાઈ જવાના ડરે બંને પતિ-પત્ની બની રહ્યા