મતદારોને ધમકી આપનાર વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ચૂંટણી સુધી જિલ્લા બહાર રાખવા રજૂઆત

 

ચૂંટણી કમિશનર સામે આંદોલન કરવાની ચિમકી 

વડોદરા- મી.રિપોર્ટર, ૧૫મી એપ્રિલ

વડોદરા લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ વાઘોડિયા વિધાન સભા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા શહેર કોંગ્રેસ દ્વારા આજે વાઘોડિયા અને સાવલી વિધાનસભા બેઠકના દિલ્હીથી આવેલા નિરક્ષકોને રજૂઆત કરી હતી.

શહેર કોંગ્રેસના પ્રવક્તા અને વકીલ શૈલેષ અમીને આજે વડોદરા લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ વાઘોડિયા અને સાવલી વિધાનસભા બેઠકના નિરીક્ષકો શર્મિષ્ઠા મૈત્રાને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને તા.23 એપ્રિલ સુધી વડોદરા લોકસભા બેઠક વિસ્તારમાંથી દૂર કરવા માટે લેખિત રજૂઆત કરી હતી. તેઓએ નિરીક્ષકને જણાવ્યું કે, જાહેરમાં મતદારોને ધમકી આપનાર મધુ શ્રીવાસ્તવ સામે કોઇ ઠોસ કાર્યવાહી નહિં થાય. તો મુક્ત અને ન્યાયિક ચૂંટણી થવી શક્ય નથી.

કોંગ્રેસ પ્રવક્તા શૈલેષ અમીને પત્રકારોને જણાવ્યું હતું કે, જાહેરમાં મતદારોને ધમકી આપનાર વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના કેસમાં ભીનુ સંકેલી રહી છે. પરંતુ, જો તેઓને વડોદરા લોકસભા બેઠક મતવિસ્તારમાંથી ચૂંટણી સુધી દૂર કરવામાં નહિં આવે તો. હું તા.18 અને 19 એપ્રિલના રોજ ચૂંટણી અધિકારી સામે આંદોલન કરીશ.