મિ.રિપોર્ટર, ૩જી જાન્યુઆરી.
વડોદરા જીલ્લાના ભાજપના બેબાક નેતા અને વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ગુજરાતની વડોદરા બેઠક માટે દાવેદારી નોધાવી રાજકીય વિવાદ સર્જ્યો છે. અત્રે ઉલ્લેખનીય વડોદરા બેઠક પરથી ચૂંટણી લડીને વિક્રમજનક મતથી વિજયી થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે વડોદરા બેઠક પરથી ચૂંટણી ના લડે તેવી સંભાવનાઓ વચ્ચે દબંગ મધુ શ્રીવાસ્તવે ભાજપના ઉમેદવાર બનવાની ઈચ્છા વ્યકત કરતા જ રાજકીય વિવાદ સર્જાયો છે.
દેશમાં લોકસભાની ચુંટણીઓનો થનગનાટ શરુ થતા જ સત્તાધારી ભાજપ દ્વારા ગુજરાતમાં તૈયારીઓ શરુ થઇ ગઈ છે. જેમાં લોકસભા માટે નવા પ્રદેશ પ્રભારીની નિમણુક સાથે તમામ ૨૬ બેઠકો માટે પણ પ્રભારી નીમી દેવામાં આવ્યા છે. જેમાં કેટલાક જિલ્લાઓમાં તો લોકસભાની બેઠક માટે રણનીતિ ઘડી કાઢવા સહપ્રભારી અને સંગઠનના હોદેદારો સાથે બેઠકો પણ યોજવાની શરૂઆત કરવામાં આવી છે. આ વખતે ભાજપ માટે ૨૬ બેઠક જીતવાનો લક્ષ્યાંક સફળ બનાવવાનો મોટો પડકાર છે. ત્યારે જુના ૨૬ એમપી પૈકી ૮-૧૦ જેટલા સાંસદોનું પત્તું કપાઈ જાય તેમ છે. જ્યારે જીતી શકે તેવા અનેક નવા ચહેરાને તક મળશે તેવું ભાજપના જ રાજકીય સુત્ર જણાવી રહ્યા છે.
આવામાં ભાજપના દબંગ નેતા તરીકે જાણીતા વડોદરા જીલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વડોદરામાંથી લોકસભાની ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. દાવેદારી અંગે મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, તે કોર્પોરેટરથી આગળ વધતા વધતા ધારાસભ્ય પણ ત્રણ ટર્મ રહી ચૂકયા છે. ત્યારે હવે સંસદમાં જવાની ઈચ્છા છે. તેમણે નરેન્દ્ર મોદી જેટલી સરસાઈથી જીતવા અંગે કહ્યું કે, સાત વિધાનસભામાંથી ૩ થી ૪ લાખ વોટ ની સરસાઈ મળી શકે તેમ છે. પણ હું જંગી બહુમતીથી જીતીશ એ નક્કી છે. પાર્ટીને વાત કરીશ, જો તેઓ ટીકીટ આપશે તો લડીશ. મારો આવાજ પહોચાડીશ . તેમણે મંત્રીપદ અંગેના એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, મેં ક્યારેય મંત્રીપદ માંગ્યું નથી. જો માંગ્યું હોત તો મળ્યું પણ હોત. એટલે નારાજગીનો કોઈ પ્રશ્ન જ નથી.