વડોદરા,. ૬ ઠ્ઠી નવેમ્બર.
દીપાવલી પર્વ અપાર ઉત્સાહ-ઉમંગની સાથે જ્ઞાનનો પ્રકાશ લાવતો પર્વ છે. આવો પર્વ પ્રજ્ઞાચક્ષુઓ માટે માત્ર અહેસાસ કરવાનું પર્વ છે. તેજ રીતે વૃધ્ધાશ્રમમાં દિવસો પસાર કરતા વૃધ્ધો માટે પણ આ પર્વ ભૂતકાળના દિવસો અને તેઓના પરિવારજનોને યાદ કરીને મનાવવાનું પર્વ હોય છે. ત્યારે શહેરમાં વસતા પ્રજ્ઞાચક્ષુઓ અને વૃધ્ધાશ્રમમાં યાદોના સહારે જીવતા વૃધ્ધો સાથે શહેરની એક હુંફ નામની સામાજિક સંસ્થા દ્વારા મંગળવારે ભવ્યાતિભવ્ય રીતે દીપાવલી પર્વ મનાવવામાં આવ્યું હતું.
હૂંફ ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક ગુલાબ રાજપૂત અને સામાજિક પ્રવત્તીઓ કરતી નિશીતા રાજપૂત દ્વારા આજે પ્રજ્ઞાચક્ષુઓ અને વૃધ્ધાશ્રમના વૃધ્ધો સાથે ફટાકડા ફોડીને દીપાવલી પર્વ મનાવવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રજ્ઞાચક્ષુઓ તેમજ વૃધ્ધોને ગીફ્ટ આપી હતી. જયારે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ ગરીબ પરિવારના પ્રજ્ઞાચક્ષુઓ અને વૃધ્ધાશ્રમના વૃધ્ધો સાથે આજે દીપાવલી પર્વની ઉજવણી કરીને ખૂશી વ્યક્ત કરી હતી.
પ્રતિવર્ષ હૂંફ સંસ્થા દ્વારા ગરીબ પરિવારના બાળકો, વૃધ્ધાશ્રમના વૃધ્ધો, ગરીબ પરિવારના પ્રજ્ઞાચક્ષુઓ સાથે દિપાવલી પર્વ તો ઠીક વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો મનાવવાનું આયોજન કરે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારના બાળકો અને વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધો પણ હૂંફ સંસ્થાના કાર્યકરોની રાહ જોઇને બેઠા હોય છે.
હૂંફ સંસ્થાના સંચાલક ગુલાબ રાજપૂતે જણાવ્યું કે, ગરીબ પરિવારના બાળકો, ગરીબ પ્રજ્ઞાચક્ષુઓ તેમજ વૃધ્ધાશ્રમના વૃધ્ધો સાથે દીપાવલી પર્વ મનાવવામાં જે આનંદ મળે છે. તેવો આનંદ અપાર હોય છે. જ્યારે આ લોકો સાથે હું અને નિશીતા દિવાળી મનાવીએ છે. ત્યારે આંખોમાંથી ઝળઝળીયા આવી જાય છે. પ્રકાશ પર્વ દીપાવલી પ્રજ્ઞાચક્ષુઓ માટે માત્ર અહેસાસ કરવાનો પર્વ હોય છે. છતાં, તેઓ અમારી સાથે દીપાવલી પર્વ મનાવે છે. ત્યારે તેઓના ચહેરા ઉપરની ખૂશી તેઓને તેઓ પ્રજ્ઞાચક્ષુ હોવાનું ભૂલાવી દેતા હોય છે. તેજ રીતે વૃધ્ધાશ્રમમાં માત્ર યાદો સહારે જીવતા વૃધ્ધો પણ તમામ દુઃખો ભૂલીને દીપાવલી મનાવે છે. ત્યારે લાગે છે કે, અમારી સાથે અમારા પરિવારના વડીલો દીપાવલી પર્વ મનાવે છે.