વડોદરા, મિ.રિપોર્ટર, ૩૧મી ડીસેમ્બર
સૌ કોઈ નવા વર્ષ ૨૦૧૯ના આગમનને વધાવવા માટે આતુર છે. એમાય 31st ડીસેમ્બરની પાર્ટી માટે યુવાધન થનગની રહ્યા છે. ત્યારે વડોદરા શહેરની ૨૮ વર્ષીય યુવતી સિક્રેટ સંતા બની ઠંડીમાં ઠુંઠવાતા ગરીબ લોકોને ગરમ ધાબળા વહેચ્યા નીકળી પડી છે. છેલ્લા એક અઠવાડિયાથી તે શહેરના જુદાજુદા વિસ્તારોમાં જઈને ફૂટપાથ પર સુઈ જતા ગરીબ બાળકો અને તેમના પરિવારને ૧૫૦ ગરમ ધાબળા વ્હેચીને નવા વર્ષની ઉજવણી કરી રહી છે.
શહેરની ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી અંકિતા શર્મા એક એનજીઓ સંસ્થા સાથે છેલ્લા કેટલાય સમયથી જોડાયેલી છે. તાજેતરમાં જ સમગ્ર રાજ્યમાં હાજા ગગડાવીદે તેવી ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર સુઈ રહેતા નાના બાળકો અને તેમના માતા-પિતાને ઠંડીમાં ઠુંઠવાતા જોઇને અંકિતા શર્માનું ર્હદય દ્રવી ઉઠ્યું અને આંખમાંથી આંસુ આવી ગયા. લાગણીવશ થયેલી અંકિતાએ પોતાની ટીમ સાથે સંકલ્પ કરીને આસપાસના વિસતારોમાં ફૂટપાથ પર સુઈ જતા ગરીબ બાળકો અને તેમના પરિવારને ૧૫૦ ગરમ ધાબળા વ્હેચીને નવા વર્ષની ઉજવણી કરી હતી.
ગરીબ બાળકો અને તેમના પરિવારને ગરમ ધાબળા વ્હેચીને નવા વર્ષની ઉજવણી કરનાર અંકિતા શર્માએ પોતાના અનોખા પ્રયત્ન અંગે જણાવ્યું હતું કે, હું નાની હતી ત્યારે મને આ ગીફ્ટ સંતા આપતાં હતા તેવું જ લાગતું હતું. પરંતુ જેમ-જેમ મોટી થઇ તેમ મને ખબર પડી કે મારા માતા-પિતા દર ક્રિસમસમાં સંતા બનીને ગીફ્ટ આપતાં હતા અને મને તેમની ખુશી વહેચતા હતા. આ બાબત મને ઘણી સ્પર્શી ગઈ. એમાય મારી મમ્મીને હંમેશા જરૂરિયાતમંદોને મદદ કરતી જોઈ ત્યારથી તો અન્યને મદદ કરવાનું બીડું ઝડપ્યું હતું. મારી નાની મદદ કે અપીલ થી તેમની જીંદગીમાં કેટલો ફરક પડે છે તે મને મદદ કરવાથી ખબર પડી. એટલે જ મેં લોકોના જીવનમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો. સાથે સાથે હું અને મારી ટીમ જરૂરિયાતમંદ લોકોને શિક્ષણ આપીએ છીએ.