વડોદરાની ટ્રાફિક પોલીસે સાઈકલ સવારને દંડ કર્યો ? વીડિયોની હકીકત, જાણીને ચોકી જશો ?

Spread the love

વડોદરા-મિ.રિપોર્ટર, ૧૬મી માર્ચ

વડોદરા ટ્રાફિક પોલીસે એક સાઈકલ સવાર ને રોકી ને તેને મેમો ફટકારીને દંડ વસુલ્યો હોવાનો એક ચોકાવનારો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાઈરલ થઇ રહ્યો છે. સાઈકલ સવારને ટ્રાફિક પોલીસ દંડ કરે તે વાત ભારે આશ્ચર્ય પમાડે તેવી ઘટના છે. વાઈરલ વિડીયોમાં પણ આવું જ દેખાઈ રહ્યું છે, જ્યાં વડોદરા ટ્રાફિક પોલીસે એક સાઈકલ સવાર ને રોકી ને  મેમો આપી રહી છે. આ ઘટનાને કેટલાક યુવાનોએ  કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. આ વિડીયોને જોયા બાદ લોકોમાં ટ્રાફિક પોલીસ પ્રત્યે રોષ જોવામાં મળી રહ્યો છે.

તો બીજીબાજુ સોશિયલ મીડિયા પર  વાઈરલ થયેલા  વીડિયોની ચકાસણી કરતા જ અનોખું જ કારણ જાણવા મળ્યું હતું. વાઈરલ થયેલો વિડીયો વડોદરાના ચકલી સર્કલનો છે. એ વાત સાચી પણ વિડીયો સાથે જે કારણ જોડવામાં આવ્યું છે, તે તદ્દન ખોટું છે. આ વિડીયોને લઈને વડોદરા પોલીસ દ્વારા  સ્પષ્ટિકરણ આપવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, વાઈરલ વિડીયોની વાત કરીએ તો મેમો તો  હકીકતમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવરને આપવામાં આવ્યો હતો. પરંતુ વોલેટ ઘરે ભૂલ જવાના કારણે તે પૈસા લેવા ગયો અને સાઈકલ લઈને દંડ ભરવા માટે પરત  આવ્યો હતો.  દરમિયાન જ ત્યાં હાજર  કેટલાક યુવકો દ્વારા ઘટનાનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. જેને બાદમાં વાઈરલ કરવામાં આવ્યો હતો.