વડોદરા, મિ.રિપોર્ટર, ૫મી મે.
ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત દવેએ આજે વડોદરા ખાતે ગુજરાતનું સર્વપ્રથમ સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રને ખૂલ્લું મૂકયું હતુ. જોકે બેઠક વ્યવસ્થાના મુદ્દે આંદોલન કરી રહેલા વકીલોએ વિરોધ કરે તે પહેલાં જ પોલીસે 10 જેટલા વકીલોની અટકાયત કરી હતી.
બાળક કોઇપણ દબાણ કે પ્રભાવ હેઠળ આવ્યા વગર જુબાની આપી શકે તે માટે રાજ્યનું પ્રથમ સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર વડોદરા કોર્ટ સંકુલમાં સ્થાપવાનો નિર્ણય કરાયો હતો. આ કેન્દ્રમાં ભોગ બનનારા કે સાક્ષી બાળકોને કોર્ટનો પરંપરાગત અનુભવ ના થાય તે માટે ખાસ રૂમ બનાવવામા આવ્યો છે, જેમાં તેમને એક મદદગાર વ્યક્તિ પણ રખાશે. આ વ્યક્તિ હેડફોન અને માઇક સાથે સજ્જ હશે. રૂમની વાતોનું પ્રસારણ સીસીટીવી મારફતે કોર્ટ રૂમમાં કરાશે અને કોર્ટ રૂમમાંથી જુબાની માટેના પ્રશ્નો મદદગાર વ્યકતીને પૂછાશે.
આ પ્રસંગે કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત દવેએ જણાવ્યું હતું કે, ભારતમાં ન્યાયપ્રથા વર્ષો જૂની છે. ન્યાય માટે સાક્ષીઓને રક્ષણ પૂરું પાડવામાં આવે છે. સાક્ષી-પીડિતોને મુશ્કેલી ન અનુભવાય તે માટે વિશેષ કાળજી લેવામાં આવે તે જરૂરી છે. ખાસ કરીને સંવેદનશીલ કિસ્સાઓમાં સાક્ષીને-પીડિતને અભિવ્યક્તિનો પૂરતો માહોલ મળી રહે તેવી વ્યવસ્થા વડોદરામાં શરૂ થઇ છે.