વડોદરા , મિ.રિપોર્ટર, ૨૦મી જુલાઈ.
વડોદરા મહાનગર સેવા સદનમાં છેલ્લા દોઢ વર્ષથી ફરજ બજાવી રહેલા મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુની રાષ્ટ્રપતિના જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્તી કરવામાં આવી છે. છેલ્લા દોઢ વર્ષના સમયગાળા દરમિયાન તેઓએ કોર્પોરેશનની ડામાડોળ થઇ ગયેલી આર્થિક સ્થિતીને સુધારવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. જોકે, તેની સાથે તેઓ દુષિત પાણી અને ઓછા પ્રેશરથી પાણીની સમસ્યાઓને પગલે વિવાદમાં પણ રહ્યા હતા. તેઓને દુષિત પાણી બાબતે શહેરીજનોની માફી માંગવાની પણ ફરજ પડી હતી.
આ ઉપરાંત અજય ભાદુ વુડાના ચેરમેન તરીકેનો પણ હોદ્દો સંભાળતા હતા. તેમના ચેરમેન પદના કાર્યકાળ દરમિયાન બે અધિકારી નિલેષ શાહ અને એસ.આર. પટેલ રૂપિયા 1.25 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. જેમાં ફરિયાદીના રેકોર્ડીંગમાં તેઓનું નામ ઉછળ્યું હતું. આમ તેઓ દોઢ વર્ષના સમયગાળા દરમિયાન અનેક વિવાદોથી ઘેરાયેલા રહ્યા હતા. નોંધનીય છે કે, અજય ભાદુની અધ્યક્ષતામાં વુડાની 240મી બોર્ડ મિટીંગ મળી હતી.
આજે મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુની બદલી થતાં તેઓના સ્થાને નવા કમિશનર કોણ આવશે તેની ચર્ચાઓ કોર્પોરેશનમાં શરૂ થઇ ગઇ હતી. અજય ભાદુની રાષ્ટ્રપતિના જોઇન્ટ સેક્રેટરી તરીકે તેઓની નિયુક્તી થતાં કોર્પોરેશનના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ તેઓને શુભેચ્છા આપવા માટે તેઓની ચેમ્બરમાં પહોંચી ગયા હતા. આગામી સપ્તાહમાં નવા મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક થાય તેવી શક્યતાઓ છે.