વકીલોના પરિવારજનો પણ ચૂંટણી બહિષ્કારમાં જોડાશે

વડોદરા- મિ.રિપોર્ટર, ૧૮મી એપ્રિલ

વડોદરાના વકીલો  નવી કોર્ટમાં છેલ્લા એક વર્ષથી  બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ ન થતાં વડોદરા વકીલ મંડળ દ્વારા આગામી ૨૩મી એપ્રિલે યોજાનાર લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે પણ વડોદરા વકીલ મંડળ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા અને સરકારી તંત્ર વિરૂદ્ધ દેખાવો-સુત્રોચ્ચાર કર્યાં હતા.

વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની સૂચના પ્રમાણે દરેક કોર્ટ સંકુલમાં કોર્ટના ઓફિસર ગણાતા વકીલોને બેસવાની અને પાણી સહિતની સુવિધા પૂરી પાડવાની હોય છે. પરંતુ 145 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી એશિયાની સૌથી મોટી વડોદરા કોર્ટ વકીલોને કોઇપણ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ ગયું છે. અમે છેલ્લા એક વર્ષથી બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ માટે લડત આપી રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા અમારી માંગણી સ્વીકારવામાં આવતી નથી.

હસસુખ ભટ્ટે વધુમાં જણાવ્યું કે, અમારી માંગ ન સંતોષાતા અમે 23 એપ્રિલના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તે પૂર્વે 20 એપ્રિલના રોજ ગુજરાતની તમામ કોર્ટના વકીલ મંડળના પ્રમુખો વડોદરા આવવાના છે. તેઓ સાથે બેઠક કરવાના છે. જેમાં ગુજરાતની તમામ કોર્ટમાં ચૂંટણી બહિષ્કાર અંગે ચર્ચા થશે. માત્ર વકીલો જ નહીં, પરંતુ વકીલોના પરિવારજનો પણ ચૂંટણી બહિષ્કારમાં જોડાશે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: