વડોદરા રમતના વારસાની અને સંસ્કૃતિની નગરી છે, વીએનએમ ખેલ ઉત્સવ એ પરંપરાને પ્રોત્સાહિત કરે છે : સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટ

Spread the love

વડોદરા, મિ.રિપોર્ટર, ૨૧મી ફેબ્રુઆરી. 

માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે નવમા વીએનએમ ખેલ ઉત્સવ-૨૦૧૯નો સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટે શુભારંભ કરાવ્યો હતો. બે દિવસના આ રમતોત્સવના પ્રારંભે પુલવામાના શહિદોને હાર્દિક શ્રદ્ધાંજલિ  આપવામાં આવી હતી.  

શહેરની ૭૫ જેટલી શાળાઓના ૨૫૦૦ રમતવીર વિદ્યાર્થીઓ સાત જેટલી વિવિધ પ્રકારની રમતોમાં રમત રમવાની ધગશ, જીતવાનું લક્ષ્યના સૂત્રને અનુસરીને સ્પોર્ટસમેન સ્પીરીટ સાથે જીતવા માટે રમશે. બે દિવસના આ રમતોત્સવના પ્રારંભ કરાવતાં સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટે જણાવ્યું કે, વડોદરા એ કલા, સંસ્કૃતિની સાથે રમત વારસાની નગરી છે. વીએનએમ ખેલ ઉત્સવ એ વારસાને  પ્રોત્સાહિત કરે છે. પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં રમત ચાહના પ્રસરાવી છે તો વીએનએમએ ખેલો વડોદરાને વેગ આપ્યો છે. તેમણે જણાવ્યું કે, રમતવીરો દેશને નામના અપાવે છે અને વિજેતા બનવાનું કૌવત ધરાવતા રમતવીરોના ઘડતર માટે બાળ પેઢીમાં રમતની અભિરૂચિ કેળવવી જરૂરી છે. વીએનએમ ખેલ ઉત્સવ રમતપ્રેમી સમાજ રચનાને પ્રોત્સાહિત કરે છે. વડોદરાના વિદ્યાર્થી રમતવીરો આ ખેલ ઉત્સવની રાહ જુએ છે. તેમણે નફીસખાન અને વીએનએમ પરિવારને અભિનંદન આપ્યા હતા.

This slideshow requires JavaScript.

વીએનએમ ખેલ ઉત્સવ અમારા સ્થાપક સદસ્ય અને રમત-ગમતના વિશ્વકોષ (એન્સાયક્લોપીડિયા) જેવા દિગ્ગજ રમત વિવેચક સ્વ. એ.ડી.વ્યાસે શરૂ કરાવ્યો હતો. જે હવે તેમને આદર અંજલિ આપવાનો અવસર અમારે માટે બની ગયો છે એવી લાગણી વ્ય્ક્ત કરતાં વીએનએમના સીએમડી નફીસખાને જણાવ્યું હતુ કે, અમારો આશય શાળાઓના વિદ્યાર્થીઓમાંથી છૂપી રમત કુશળતાને ઉજાગર કરવાનો અને પ્રતિભાશાળી રમત કુશળ વિદ્યાર્થીઓને તેમની કુશળતા બતાવવાની તક આપવાનો છે.

તેમણે જણાવ્યું કે, સ્વ. વ્યાસે રમત જગતની સેવા કરવાની સાથે દિવ્યાંગ કલ્યાણને કાર્યક્ષેત્ર બનાવ્યું હતુ એ ધ્યાનમાં રાખીને અમારા રમતોત્સવમાં બોસી ગેમ્સ એટલે કે વિશિષ્ઠ બાળકો માટેની રમત હરિફાઇઓનો સમાવેશ કર્યો છે.  આ પ્રસંગે જુમ્માદાદા વ્યાયામ મંદિર, લક્ષ્મીનાથ વ્યાયામ શાળાના નાની ઉંમરના રમતવીરોએ રોપ મલખંભ આધારિત હવાઇ અંગ કસરતો (એરીયલ સિલ્ક એક્રોબેટીક) ની પ્રસ્તુતિ દ્વારા સહુને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રભાઇ લાખાવાળા, સ્પોન્સર સંસ્થાઓના પ્રતિનિધિઓ સર્વ ડી.આર.ગોખલે, મધુલીકા બર્મન, પ્રેમરાજ કશ્યપ, રમેશચંદ્ર, દિલીપકુમાર, પ્રોમીલા ઝાલપુરી, ડૉ. રૂચિ મહેતા, એમ.એસ.યુનિવર્સિટીના સ્પોર્ટસ ડાયરેક્ટર હરજીત કૌર, ડૉ. ભગવતી ઓઝા, આલોક ભીડે, લક્ષ્મણ કરંજગાંવકર, ગિરીશ સૂલે, સ્પોર્ટસ કોચીસ, રેફરીઝ, શિક્ષકો અને રમતવીરોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.