વડોદરા-એજ્યુકેશન, મિ.રિપોર્ટર, ૨૪મી મે
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલાં તક્ષશિલા કોમ્પલેક્ષમાં ફાયર સેફટીના સાધનોના અભાવે 19 બાળકોનો ભોગ લેનાર ટ્યૂશન ક્લાસમાં લાગેલી ભીષણ આગની ઘટના-હોનારત બાદ સફાળે જાગેલા વડોદરા મહાનગર સેવા સદને વડોદરા શહેરમાં ચાલતા નાના-મોટા 1200 અને તેનાથી ટ્યુશન કલાસીસના સંચાલોકોને નોટીસ પાઠવવાના બદલે માત્ર 152 કલાસીસને જ ફાયર સેફટીની નોટીસ અપાઈ છે. માત્ર 152 કલાસીસને જ ફાયર સેફટીની નોટીસ અપાઈ ? બધાને કેમ નહિ ? આ પ્રશ્ન હાલ વડોદરા વાલી જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરા વાલી મંડળ દ્વારા વડોદરા શહેરમાં ચાલતા નોધાયેલા અને બિન નોધાયેલા 1200 કે તેથી વધુ કલાસીસ સંચાલોકોની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આશ્ચર્યની વાત છે કે, વખતોવખત સેવાસદન દ્વારા કવાયત હાથ ધરાય છે. પરંતુ કોઈ નક્કર પરિણામ આવતું નથી. સેવાસદનના કેટલાક અધિકારીઓની મિલીભગતના પગલે ફાયર સેફટીની વાતો માત્ર કાગળ પર રહી જાય છે. ફાયર સેફટી હશે કે એન.ઓ.સી લીધી હશે તો જ સેવાસદન દ્વારા પરવાનગી આપવામાં આવશે તેવા આદેશ બાદ ફાયર સેફ્ટીના સાધનોની વેચાણ કરનારા લોકોનો સોશિયલ મીડિયા પર રાફડો ફાટી નીકળ્યો છે. ફાયર સેફ્ટીના સાધનોનું વેચાણ કરનારા કેટલાક લોકો સાધનો લે તો સેફટીનું સર્ટીફીકેટ ફ્રી આપવાનું ગોઠવણ કરી રહ્યા છે. ખાસ કરીને કલાસીસ સંચાલકોના ગ્રુપમાં મેસેજ ફરતા થઇ ગયા છે. ઘણા જણાએ તો ગોઠવણ પણ કરી દીધી છે તેવું જાણવા મળી રહ્યું છે.