વડોદરાની સ્ટર્લિંગ હૉસ્પિટલ અવૅક ક્રૅનિયોટૉમી- ન્યુરોસર્જરી કરાઈ : દર્દીને સ્વસ્થ જીવનની ભેટ મળી

મિ.રિપોર્ટર, ૧૪મી નવેમ્બર. ધીરજ ઠાકોર

મગજ શરીરનો ખૂબ નાજૂક અને મહત્વપૂર્ણ ભાગ કહેવાય છે. મગજની અનેક પ્રકારની બીમારીઓ ઘણી વખત અચાનક ગંભીર સમસ્યા પેદા કરે છે. જેના કારણે દર્દીના જીવન-મરણનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે,  પરંતુ જો દર્દીને યોગ્ય સમયે આધુનિક ટેકનોલોજીવાળી સચોટ અને ત્વરીત સારવાર આપવામાં આવે તો તેનું જીવન બચી શકે છે. આવો જ એક કિસ્સો વડોદરાની સ્ટર્લિંગ હૉસ્પિટલ ખાતે બન્યો છે.જ્યાં યુવક દર્દીને અવૅક ક્રૅનિયોટૉમી- મગજની સર્જરી દ્વારા તેણે બેભાન કર્યા વગર સર્જરી કરી મગજના ટ્યુમરને દૂર કરવામાં આવ્યું છે. આ નવી પધ્ધતિને કારણે દર્દીને પુન સ્વસ્થ જીવન આપવામાં સફળતા મળી છે.

સ્ટર્લિંગ હૉસ્પિટલ ખાતે આ સર્જરીને સફળતા પૂર્વક કરનાર ન્યુરોસર્જન ડૉ. મૌલિક વાજાએ આ બાબતે જણાવ્યુ હતુ કે, ભાવિક મોદીને લગભગ 20 દિવસ પહેલા બે વખત ખેંચ આવી હતી, સ્ટર્લિંગ હૉસ્પિટલમાં વધુ તપાસ માટે મગજનો એમ.આર.આઈ કરતા તેમના મગજમાં ડાબા ભાગે (left temporal lobe Gloima) ગાંઠ ટ્યુમર હોવાનું માલૂમ પડ્યુ હતું. મગજમાં આ ટ્યુમર ખૂબ મહત્વપૂર્ણ સ્થાને હતુ, જેનું સીધુ જોડાણ બોલવા અને સમજવાના ભાગ સાથે હતું. ખેંચની ઉભી થયેલી સમસ્યા અને ગાંઠની મોટી સાઈઝને જોતા તેની સર્જરી કરવી આવશ્યક હતી. પરંતુ આ સ્થિતિમાં બે ગંભીર બાબતો એ હતી કે જો દર્દીને પરંપરાગત પધ્ધતિ અનુસાર જનરલ અનેસ્થેસિયા આપીને સર્જરી કરવામાં આવે તો કાયમી ધોરણે ન્યુરોલૉજીકલ ડિસેબીલિટી થવાની સંભાવના હતી, જેના કારણે કાયમી બોલવાની સમસ્યા થઈ શકે તેમ હતુ. આ સિવાય જો ઓપરેશન ન કરવામાં આવે તો સ્થિતિ વધારે ગંભીર બની શકે તેમ હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  આ બાબતે દર્દી તેમજ તેમના સ્નેહીજનોને અવૅક ક્રૅનિયોટૉમી- મગજની સર્જરીના વિકલ્પ વિશે સંપૂર્ણ માહિતી આપ્યા બાદ સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો.  આ સર્જરીની વિશેષતા એ છે કે દર્દીને બેભાન કર્યા વગર આ ગંભીર અને જટિલ કહી શકાય તેવી સર્જરી કરવામાં આવે છે. દર્દી પર કરવામાં આવેલી આ સર્જરી સંપૂર્ણ સફળ રહી, જેમાં દર્દી ઓપરેશન દરમિયાન સંપૂર્ણ ભાનમાં હતા. હવે ઓપરેશન બાદ દર્દી યોગ્ય રીતે સાંભળવાની, સમજવાની અને બોલવાની ક્રિયાઓ કરી શકે છે. 

અવૅક ક્રૅનિયોટૉમી વિશે ડૉ. વાજાએ વિગતવાર માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આ સર્જરી એક ન્યુરોસર્જિકલ ઓપરેટીવ ટૅકનિક છે. જે એક વિશિષ્ટ્ ટીમ દ્વારા કરવામાં આવે છે, આ ટીમમાં ન્યુરોસર્જન, અનેસ્થેટીસ્ટ અને ન્યુરોફિઝિયોલૉજીસ્ટ પણ સામેલ હોય છે. આ સર્જરીમાં દર્દી પૂર્ણ જાગૃત અવસ્થામાં હોય છે અને મગજના કોષોની કાર્યપ્રણાલી જેવીકે બોલવું, અંગોના હલન-ચલન વિગેરે સૂચનો આપવા જેવી ચકાસણી કરતા કરતા વિશિષ્ટ સાધનો દ્વારા મગજની ગાંઠને દૂર કરવામાં આવે છે. મગજના રોગોની ઉપલબ્ધ અત્યાધુનિક સારવાર અને ટેક્નોલૉજી આવા જટિલ કિસ્સાઓમાં દર્દીને ખરા અર્થમાં ખૂબ જ મદદરૂપ બને છે. ઉપરાંત, દર્દીને મગજની કોઈ ખામી કે નુક્સાન વગર સંપૂર્ણ સ્વસ્થતા સાથે સાજો કરી શકાય છે. મગજની ગાંઠના રોગના કિસ્સામાં અદ્યતન પધ્ધતિ વડે સફળ સારવાર આપવામાં આવી હતી અને સમગ્ર રાજ્યમાં અવૅક ક્રૅનિયોટૉમી- મગજની સર્જરી દ્વારા સારવાર કરવામાં આવેલ જૂજ કિસ્સામાંથી એક છે. પરંતુ દર્દી અને સામાન્ય માનવીને ખૂબ જ કુતુહલ પમાડે તેવી આ સારવારની પધ્ધતિ છે.

 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: