વડોદરા: સુરતમાં એક કોમ્પલેક્સમાં આગ લાગતા કોમ્પલેક્સમાં આવેલા ટ્યુશન ક્લાસમાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું અને એક શિક્ષક તેમજ 35થી વધુ વિદ્યાર્થીઓ ગુંગળાઇ ગયા હતા. આ બનાવને ધ્યાનમાં રાખી શહેરના કોર્પોરેટરે મ્યુ. કમિશનરને પત્ર લખી વડોદરામાં એક શાળા પેટ્રોલ પંપ પાસે અને બીજી એક શાળા ગેસ લાઇન પાસે આવેલી હોય આ બન્ને સ્કુલમાં બાળકોની સુરક્ષા માટે ફાયર સેફ્ટીની સુવીધાઓ ઉપલબ્ધ થાય તે અંગે કાર્યવાહી કરવા અને સ્કુલ આસપાસના જોખમો દુર કરવા માટે રજૂઆત કરી છે. બીજી તરફ ટીમ રિવોલ્યુશન નામની સંસ્થાએ પણ કલેક્ટરને આવેદન પત્ર આપીને શહેર જિલ્લાની 97 ટકા શાળામાં અને 100 ટકા કોચિંગ ક્લાસમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન થતું હોવાનો આક્ષેપ કરી આ અંગે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. એક અંદાજ મુજબ વડોદરામાં અંદાજે બે હજાર જેટલા કોચિંગ ક્લાસ આવેલા છે અને તે પૈકી 80 ટકા પાસે ફાયર એન.ઓ.સી. જ નથી.

વડોદરા શહેરમાં પણ એવી ઘણી બધી સ્કૂલો છે કે જે પેટ્રોલપંપની પાસે, હાઇટેંશન લાઇનોની પાસે અને ટ્રાફિકવાળા રસ્તાઓ પર આવેલી છે. આ ઉપરાંત ગોત્રી- સેવાસી રોડ પર આવેલી શૈશવ સ્કૂલ અને તેની બાજુમાં આવેલ એસ્સારના પેટ્રોલ પમ્પ વચ્ચે માત્ર એક જ દીવાલ હોઈ જો ભવિષ્યમાં ક્યારેક પેટ્રોલ પમ્પ પર આગ લાગે તો શૈશવ સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકો માટે મોટી હોનારત સર્જાઈ શકે તેમ છે. જ્યારે ગોરવા વિસ્તારમાં આવેલ સી.કે પ્રજાપતિ સ્કૂલ ગેઇલ ઇન્ડિયા લિમિટેડની ગેસ લાઇન પર આવી હોવાથી આગના બનાવ વખતે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ જાય તેમ છે.

આ સિવાય પણ કોઈ મંજૂરી કે સુરક્ષાના ધારાધોરણો મુજબ ચાલતા સેંકડો કોચિંગ કલાસીસના વિદ્યાર્થીઓની સુરક્ષા સામે મોટો સવાલ ઉભો થતો હોઈ કાઉન્સિલર રાજેશ આયરેએ મંગળવારના રોજ આ બંને શાળાઓની બાજુમાંથી પેટ્રોલ પંપ અને ગેસની લાઇન દૂર કરવા અને ખાનગી કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાય તે માટેનાં પગલાં લેવા માટે મ્યુનિ. કમિશ્નરને પત્ર લખીને રજૂઆત કરી હતી.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: