બ્યુટી પાર્લરના કામની લાલચ આપી ત્રણ યુવકોનો કારમાં પરીણિતા ઉપર દુષ્કર્મનો પ્રયાસ

મી. રિપોર્ટર, ૨૫મી ડિસેમ્બર.

શહેર ના માંજલપુરમાં રહેતી પરીણિતાને બ્યુટીપાર્લરનું કામ આપવાના બહાને કારમાં બેસાડી હાઇવે તરફ લઇ જઇ તેના શરીર સાથે અડપલા કર્યા બાદ બિભત્સ માંગણી કરનાર ત્રણ નરાધમો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

 વડોદરામાં દુષ્કર્મના પ્રયાસની એક શરમજનક ઘટના બની છે. જેમાં શહેરના માંજલપુરમાં રહેતી પરીણિતાને બ્યુટીપાર્લરનું કામ આપવાના બહાને ઘર પાસે બોલાવીને ત્રણ નરાધમોએ કારમાં બેસાડી હાઇવે તરફ લઇ જઇ તેના શરીર સાથે અડપલા કર્યા બાદ બિભત્સ માંગણી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

માંજલપુરમાં રહેતી 20 વર્ષીય યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે. 10 મહિના પહેલા મેં લવ મેરેજ કર્યા હતા. હું અને મારા પતિ મચ્છીપીઠ ખાતે આરોપી ઇમરાનની આમલેટની લારી પર નાસ્તો કરવા જતા હતા. ત્યારે મને ખબર પડી હી કે ઇમરાન પૈસાનું સેટિંગ કરી આપે છે. હાલ મારા પતિ સાથે અણબનાવ ચાલતો હોવાથી મારે બ્યુટીપાર્લરની દુકાન ભાડેથી રાખવા પૈસાની જરૂર પડી હતી. જેથી મેં ઇમરાનનો સંપર્ક કરતાં તેણે મહેન્દ્રનો મોબાઇલ નંબર આપ્યો હતો.

મહેન્દ્રએ પૈસાની વ્યવસ્થા કરી આપવાનું કહી મારી પાસેથી ડોક્યુમેન્ટ લીધા હતા. બુધવારે બપોરે એક વાગ્યે મહેન્દ્રએ ફરી મને ફોન કરી કહ્યું કે તમે બ્યુટી પાર્લરનું કામ કરો છો તો મારી પત્ની અને દીકરીને તૈયાર કરવાની છે. તમે મારા ઘરે વારસિયા સંતકવર કોલોનીમાં આવો. જેથી હું વારસિયા પહોંચી હતી. બપોરે 3 વાગ્યે કારમાં મહેન્દ્રની સાથે ઇમરાન અને અજ્જુ આવ્યા હતા. ત્યારબાદ મને ઘરે લઇ દવાને બદલે કાર દરજીપુરા થઇ સુરત જતાં હાઇવે પર લીધી હતી.

ત્યારબાદ મહેન્દ્રએ પૈસા લેવા હોય તો અમારું કામ કરવું પડશે નહીં તો પૈસા નહીં મળે તેમ કહી બિભત્સ માંગણી કરી હતી. કારની પાછળની સીટ પર બેઠેલા આરોપી અજ્જુએ મારા શરીર સાથે અડપલા કરવાનું શરૂ કરી દીધું હતું. અમે હાઇવે પર દૂર નીકળી ગયા હોવાથી મે ડરના માર્યા આવતી કાલે આપણે મળીશું, તેમ કહેતાં આરોપીઓએ તારી સાથે ગાડીમાં એક જણ રહેશે બે બહાર રહીશું. અહીંયા જ બધુ કામ કરી લઇએ. જોકે, મેં બુમાબુમ કરી મુકતા આરોપીઓ ડરી ગયા હતા. વારસિયા પોલીસે ઇમરાન, મહેન્દ્ર અને અજ્જુ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.