કડક ટ્રાફિક નિયમોથી બચવા યુવાને હેલ્મેટ પર જ લાયસન્સ, RC બુક, PUC ને વીમાની કોપી લગાવી દીધી…જુઓ..વિડીયો…

કડક ટ્રાફિક નિયમોથી બચવા યુવાને હેલ્મેટ પર જ લાયસન્સ, RC બુક, PUC ને વીમાની કોપી લગાવી દીધી.

બુલેટ લઇને નિકળતો યુવાન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો: યુવાનને ભૂલી જવાની આદત હોવાથી તમામ દસ્તાવેજો હેલ્મેટ પર લગાવ્યા : અકસ્માતથી બચવા માટે હેલ્મેટ પહેરવું જરૂરી હોવાની યુવાનની સલાહ

વડોદરા- મિ.રિપોર્ટર, ૯મી સપ્ટેમ્બર. 

ગુજરાતમાં આગામી દિવસોમાં વાહનચાલકોની ટ્રાફિકની સેન્સ વધે તેમજ ટ્રાફિકના નિયમોનું કડક પાલન થાય તે માટે  કમરતોડ દંડ સાથે ટ્રાફિક નિયમના કડક કાયદાનો સંભવતઃ અમલ થઇ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના એક ઇન્સ્યોરન્સ એજન્ટે દંડથી બચવા માટે પોતાના હેલ્મેટ ઉપર ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી. બુક સહિતના ડોક્યુમેન્ટ લગાવી દીધા છે. એજન્ટે જણાવ્યું હતું કે, પોતાને ભુલવાની આદત હોવાથી મે હેલ્મેટ ઉપર જરૂરી દસ્તાવેજો લગાવી દીધા છે.

વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં વિજયનગરમાં રામપાલ શાહ રહે છે. તેઓ ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે કામ કરે છે. બુલેટ ધરાવતા રામપાલ હેલ્મેટ પહેરીને જ પોતાનું વાહન ચલાવતા હતા. પરંતુ આગામી દિવસોમાં કમરતોડ દંડ સાથે ગુજરાત સરકાર દ્વારા સંભવતઃ અમલ થનારા ટ્રાફિક નિયમના કાયદાથી બચવા માટે તેઓએ પોતાના હેલ્મેટ ઉપર ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી. બુક, પી.યુ.સી. અને વાહનના વીમાની કોપી લગાવી દીધી છે. આજે તેઓ રોડ પોતાની બુલેટ લઇને નીકળતા રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

રામપાલ શાહે જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમના કાયદાનું પાલન કરવું મારી ફરજ છે. મારી પાસે બુલેટ છે. બીજુ કે મને ભૂલવાની આદત હોવાથી હેલ્મેટ ઉપર મે ટ્રાફિક નિયમના તમામ દસ્તાવેજો લગાવી દીધા છે. ટ્રાફિક પોલીસ ઉભા રાખે ત્યારે તેઓને હેલ્મેટ બતાવી દઉં છું. અકસ્માતથી બચવા હેલ્મેટ પહેરવું જરૂરી છે. આગામી દિવસોમાં વધુ દંડ સાથેનો કાયદો અમલમાં આવી રહ્યો છે. પરંતુ જો દરેક વાહન ચાલક હેલ્મેટ પહેરે અને પોતાની પાસે તમામ દસ્તાવેજ રાખે તો દંડ ભરવાનો આવશે જ નહીં. લોકોને પણ મારી અપીલ છે કે, હેલ્મેટ પહેરો અને સાથે તમામ દસ્તાવેજ રાખો. દંડની રકમ ભરવાથી પોતાને બચાવો.