મિ.રિપોર્ટર, ૧૪મી નવેમ્બર
આમિર ખાન અને અમિતાભ બચ્ચનને ચમકાવતી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનને શરૂઆતના દિવસોમાં જ દર્શકોએ નકારી છે. 8 નવેમ્બરે રિલિઝ થયેલી ફિલ્મે ચાર દિવસના ઓપનિંગ વીકેન્ડમાં 123 કરોડ કમાયા છે. જેમાંથી 4 કરોડ તમિલ અને તેલુગુ ભાષામાંથી આવ્યા છે. ફિલ્મના સ્કેલ અને સ્ટારકાસ્ટને જોતાં આ રકમ ખૂબ જ ઓછી છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું ભવિષ્ય ભલે ગમે તે હોય પણ આ ફિલ્મ રિલિઝના પહેલા ત્રણ દિવસમાં 100 કરોડની કમાણી કરતી ફિલ્મના લિસ્ટમાં આવી ગઇ છે.
ફિલ્મની કમાણીમાં ઓપનિંગ વીકેન્ડનું ખૂબ જ મહત્વ છે. ભારતમાં મોટે ભાગે શુક્રવારે ફિલ્મો રિલિઝ થાય છે. આ ફિલ્મને તહેવારોની સિઝન હોવાને કારણે ચાર દિવસની લોંગ વીકેન્ડ મળ્યું હતું. ઓપનિંગના પહેલા ત્રણ દિવસમાં જ 100 કરોડથી વધારેની કમાણી કરતી ફિલ્મોમાં ત્રણ ફિલ્મો સલમાન ખાનની છે. જ્યારે આમિરની પણ ત્રણ ફિલ્મો છે. શાહરૂખ ખાન અને રણબીર કપૂરની એક એક ફિલ્મો આ લિસ્ટમાં છે. તેલુગુ ફિલ્મ બાહુબલી 2 પણ આ લિસ્ટમાં સામેલ છે.
રિલિઝ થયાના પહેલા ત્રણ દિવસમાં 100 કરોડની કમાણી કરનારી ઠગ્સ ઓફ હિન્દુસ્તાન અગિયારમી ફિલ્મ બની છે. આ લિસ્ટમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બાહુબલી 2 છે. આ ફિલ્મના તેલુગુ વર્ઝને 128 કરોડનું કલેક્શન કર્યું હતું. રિતિક રોશન, અક્ષય કુમાર અને અજય દેવગણની એક પણ ફિલ્મે આ રેકોર્ડ કર્યો નથી. આમિરની આ ત્રીજી ફિલ્મ છે જેણે 100 કરોડનો મેજિકલ ફિગર પાર કર્યો હોય. જોકે, આ ફિલ્મની નેગેટિવ માઉથ પબ્લિસિટીને કારણે તેની કમાણી ઘટી રહી છે. પણ આમિરનું નામ આ લિસ્ટમાં સલમાન સાથે આવી ગયું છે.