લૂંટ ચલાવીને ઘરની બહાર નીકળતાજ પોલીસે દબોચી લીધા :
વડોદરા-ક્રાઈમ, મી.રિપોર્ટર, ૩૦મી મે
શહેરના ગોત્રી રોડ કૃણાલ ચોકડી પાસે આવેલ બી-21, પાશ્વ ડુપ્લેક્ષમાં મોડી રાત્રે હથિયારધારી ત્રણ લૂંટારૂ ત્રાટક્યા હતા. જોકે, દંપતિએ લૂંટારુ ટોળકીનો સામનો કરીને ત્રણે લૂંટારૂઓને પોલીસના હાથે પકડાવી દીધા હતા. લૂંટારૂઓ સાથે થયેલી ઝપાઝપીમાં દંપતિને સામાન્ય ઇજા પહોંચી હતી.
ગોત્રી રોડ કૃણાલ ચોકડી પાસે બી-21 પાશ્વ ડુપ્લેક્ષમાં સુધીરભાઇ શાહ પત્ની ભાવનાબહેન સાથે નિવૃત્ત જીવન ગુજારે છે. મોડી રાત્રે શાહ દંપતિ પોતાના ડુપ્લેક્ષના પ્રથમ માળે બેડરૂમમાં સૂઇ ગયા હતા. દરમિયાન રાત્રે લગભગ 2-30 વાગ્યાના સુમારે તેઓના ઘરમાં હથિયારધારી ત્રણ લૂંટારુઓ ત્રાટક્યા હતા.
મોડી રાત્રે ઘરમાં કોઇ પ્રવેશ્યાનો અવાજ આવતાજ સુધિરભાઇ જાગી ગયા હતા. અને રસોડા તરફ તેઓને ત્રણ વ્યક્તિઓ દેખાતા પડકાર ફેંક્યો હતો. આ સાથે તેમની પત્ની પણ પથારીમાંથી સફાળા ઉભા થઇ ગયા હતા. અને તેઓ પતિની મદદે દોડી આવ્યા હતા.
દંપતિએ મચાવેલી બુમરાણથી ગભરાયેલા લૂંટારૂઓએ સુધિરભાઇને માર માર્યો હતો. અને ભાવનાબહેનને ચાકૂ બતાવી ચૂપ રહેવાની ધમકી આપી કાંડા ઘડિયાળ તથા રોકડ લૂંટી હતી.
લૂંટ ચલાવ્યા બાદ લૂંટારુ ત્રિપુટી અન્ય મુદ્દામાલની લૂંટ ચલાવવા માટે પ્રથમ માળે ગયા હતા. તે દરમિયાન સુધિરભાઇ શાહે લક્ષ્મીપુરા પોલીસને જાણ કરતા પોલીસ ગણતરીની મિનીટોમાં સ્થળ પર આવી પહોંચી હતી. અને લૂંટારુ ત્રિપુટી મુદ્દામાલ લૂંટીને ઘરની બહાર નીકળતી હતી. તે સમયે તેઓની દબોચી લીધી હતી. પોલીસ તપાસમાં આ લૂંટારૂ મધ્યપ્રદેશના ઉજૈનના રાજારામ પારગી, પંકજ સોલંકી અને લક્કી ઉર્ફ ચીકણો કુમાર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ત્રણે સામે લૂંટ અને હુમલાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.