સાણંદથી ચોખા ભરેલું કન્ટેનર મુંબઈ જઈ રહ્યું હતું : ડિઝલની ટેન્ક ફાટ્યા બાદ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
વડોદરા-મિ.રિપોર્ટર, ૨૮મી માર્ચ
શહેર નજીક સોમા તળાવથી તરસાલી તરફ જતાં હાઈવે પર ચોખા ભરેલા કન્ટેનરમાં અચાનક આગ લાગતા બળીને ખાખ થઈ ગયું હતું. આ બનાવને પગલે હાઈવે પર થી પસાર થતા લોકોમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
સોમા તળાવથી આજે MH 46/BF 4502 નંબરની ટ્રક કન્ટેનરમાં સાણંદની રાઈસ મિલમાંથી ચોખા ભરીને મુંબઈ તરફ જઈ રહી હતી. દરમિયાનમાં બપોરે 12-30 વાગ્યાના અરસામાં ટ્રક સોમા તળાવથી તરસાલી તરફ જતાં હાઈવે પર પસાર થતી હતી. ત્યારે અચાનક તેમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતાં ડ્રાઈવરે રસ્તાની વચ્ચોવચ્ચ ટ્રક ઉભી રાખી કેબિનમાં બેઠેલા લોકો ઉતરી ગયા હતાં.
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જોકે, ફાયર બ્રિગેડ પહોંચતા સુધીમાં આગે આખા કન્ટેનરને ઝપેટમાં લઈ લીધું હતું અને કન્ટેનર બળીને ખાખ થઈ ગયું હતું. ફાયર બ્રિગેડના સૂત્રો અનુસાર, ડિઝલની ટેન્ક ફાટી ગયા બાદ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. અત્રે નોંધનિય છે કે, કેટલાંક સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કર્યા બાદ અડધો કલાક સુધી તેઓ પહોંચ્યા નહોતા.