હૈદરાબાદ, મિ.રિપોર્ટર, ૧લી જાન્યુઆરી.
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં રવિવારે ભૂખથી તડપી રહેલી એક તરછોડાયેલી બાળકીને આક્રંદને જોઇને મહિલા પોલીસ- કોન્સ્ટેબલ પ્રિયંકાની મમતા જાગી ઉઠી હતી હતી અને તેણીએ બાળકીને સ્તનપાન દ્વારા પોતાનું દૂધ પીવડાવ્યું હતું. કોન્સ્ટેબલ પ્રિયંકાના આ માનવતાના કારનામાંને લીધે ભારે ચર્ચામાં આવી ગઈ છે. પ્રિયંકાના આ કાર્યની સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
તરછોડાયેલી બાળકી ઓસ્માનિયા જનરલ હોસ્પિટલ બહાર રડી રહી હતી અને તેને એક વ્યક્તિએ પોલીસ સ્ટેશન પહોંચાડી. ભૂખથી રડી રહેલી બાળકીને જોઈને કોન્સ્ટેબલ પ્રિયંકાએ તેને પોતાનું દૂધ પીવડાવીને માતાની મમતા આપી હતી. એટલું નહિ પણ પ્રિયંકાએ બાળકીને પેટલબુર્જ સ્થિત સરકારી હોસ્પિટલમા એડમિટ કરાવી અને તેની માતાની તપાસ શરૂ કરી દીધી. પ્રિયંકાએ કહ્યું, મારા પતિ રવિન્દ્ર અફજલગંજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે. રવિવારે તેમણે મને જણાવ્યું કે તેમને એક તરછોડાયેલી બાળકી મળી છે. મેં તરત કેબ બુક કરી અને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. મેં ત્યાં જોયું કે બાળકી ભૂખના કારણે ખૂબ રડી રહી હતી. મેં તેને તરત ખોળામાં લીધી અને સ્તનપાન કરાવ્યું હતું. દૂધ પીવડાવ્યા બાદ બાળકીએ રોવાનું બંધ કરી દીધું. સોમવારે સવારે બાળકીની માતા મળી આવતા તેને બાળકી સોંપી દેવાઈ. બીજી તરફ હૈદરાબાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓને જ્યારે આ વાતની સૂચના મળી તો તેમણે પ્રિયંકા અને તેના પતિની ખૂબ પ્રશંસા કરી. હૈદરાબાદ પોલીસ કમિશનરે આ કપલને સન્માનિત કર્યા.