ગાંધીનગર, મિ.રિપોર્ટર, ૨૬મી ડીસેમ્બર.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની પ્રવાસમાં ગયેલી બસના અકસ્માતમાં સમાચાર સામે આવી રહ્યા છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના પ્રવાસમાં થતા અકસ્માતને રોકવા માટે રાત્રિના 11 થી સવારના 6 કલાક સુધી પ્રવાસ કરી શકશે નહીં તેવો મહત્વનો નિર્ણય ગાંધીનગર ખાતે આજે સચિવાલયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં લેવાયો છે.
કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં શાળાનાં વિદ્યાર્થીઓને પ્રવાસે લઇ જતા વાહનોને અકસ્માત નડતા અનેક બાળકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમના મોત પણ નીપજ્યાં છે. સરકાર તરફથી બાળકોને સહાય પણ જાહેર કરવામાં આવી છે અને ઇજાગ્રસ્ત બાળકોને સારામાં સારી સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શાળાના બાળકોને પ્રવાસે લઇ જતી બસો રાતનાં 11 કલાકથી સવારે 6 કલાક સુધી પ્રવાસ નહીં કરી શકે. જે બસો રાતે પ્રવાસ કરતી હતી અને વિવિધ જગ્યાએ અકસ્માતનો ભોગ બની તેવું ભવિષ્યમાં ન થાય એટલે રાતે બસો પ્રવાસ કરી શકશે નહીં. આ ઉપરાંત બાળકોને રાતે રહેવાની યોગ્ય વ્યવસ્થા કરશે.
સ્કૂલ પ્રવાસે જતા વિદ્યાર્થીઓની બસને નડેલા અકસ્માત ?