બીલીમોરા, મી.રિપોર્ટર, ૨૬મી ડીસેમ્બર.
લોકોના દુઃખ દર્દ મંત્ર તંત્રથી દૂર કરવાની અંધશ્રદ્ધાની હાટડી ચલાવતા બીલીમોરાના દેસરા વિસ્તારના એક લંપટ બાપુએ જુદી જુદી સ્ત્રીઓને ભોળવી તેમને ભ્રમિત કરી તેમની સાથે આચરેલી કામલીલાની અંગત પળોના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ઉહાપોહ મચ્યો હતો, જેમાં આ ધુતારા બાપુના દુષ્કર્મનો ભોગ બનનાર એક પીડિતાએ તેની સામે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ બાપુને ઝડપી પાડીને જેલને હવાલે કરી દીધો હતો.
મંત્ર તંત્રથી દુખિયારા લોકોના દુઃખદર્દ અને લોકોના અટકી પડેલા કામો દૂર કરવાનો કીમિયો બતાવી દેસરા વિસ્તારના સરકારી ગોડાઉન સામે, ઓરિયા મોરિયા વિસ્તારમાં રહેતો શૈલેષ નાયકા જે અંધશ્રદ્ધાની હાટડી ચલાવતો હતો. લોકોને ભોળવી છેતરી તેની પાસે પોતાના દુઃખદર્દ મટાડવા માટે આવેલ મહિલા, યુવતીઓને મોહપાશમાં ભેરવતો હતો અને તેમની સાથે પોતાની હવસ સંતોષતો હતો. આ લંપટ શૈલેષ બાપુની કામલીલાના ફોટો તથા કલીપીંગ્સ વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ હતી. જેમાં ભોગ બનનાર એક યુવતીએ હિંમત કરી તેની સામે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બીલીમોરા પોલીસમાં ફરિયાદમાં નોધાવતાં આ યુવતીએ જણાવ્યું હતું કે, બે વર્ષ અગાઉ તેની બહેન બીમાર રહેતી હતી તેનો ઘણો ઈલાજ કરાવ્યા બાદ પણ ઠીક થઈ ન હતી. દરમિયાન તેને શૈલેષ નાયકા લોકોના દુઃખો દૂર કરતાં હોવાની જાણ થતાં બહેનનો બાપુ પાસે બીમારીનો ઈલાજ કરાવવા લઈ ગઈ હતી. જ્યાં શૈલેષ નાયકાએ ફરિયાદી સાથે સંપર્ક વધાર્યો હતો. તેઓ એકબીજા સાથે ફોન પર સંપર્કમાં હતા. દરમિયાન આ કથિત શૈલેષ નાયકા એ તેને ભોળવી હતી. શૈલેષ નાયકા તેને સાપુતારા ફરવા લઇ ગયો હતો. જ્યાં આ લંપટે હોટેલમાં તેને ભ્રમિત કરી કામલીલા આચરી વીડિયો ક્લિપિંગ્સ અને ફોટા ઉતારી લીધા હતા. બાદમાં ક્લિપિંગ્સ અને ફોટા બતાવી ધમકાવી તેની સાથે ઘણીવાર શરીર સંબંધ બાંધ્યા હતા.
લંપટ તાંત્રિકને તેનો જ મિત્ર કરતો હતો બ્લેકમેઇલ : રૂ. 5 લાખની માંગણી કરી
લંપટ તાંત્રિક શૈલેષ નાયકાના મિત્ર આકાશ પટેલે કામલીલાનો વીડિયો ને ક્લિપિંગ્સ શૈલેષના મોબાઈલમાંથી સિફતપૂર્વક પોતાના મોબાઈલમાં લઇ લીધી હતી. બાદમાં આકાશે શૈલેષબાપુ પાસેથી રૂ. 5 લાખની માંગણી કરી હતી અને જો તે આ માંગણી નહીં સ્વીકારે તો કલીપીંગ્સ વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આ વાતથી ગભરાયેલા શૈલેષ નાયકાએ આકાશને રૂપિયા દોઢ લાખ ચૂકવ્યા હતા. પરંતુ આકાશે માંગણી કરેલા બીજા પૈસા શૈલેષ નહીં ચૂકવી શક્યો ન હતો, જેથી આકાશે કલીપીંગ્સ વાયરલ કરી હતી. આ ઘટના બાદ ભોગ બનનારી યુવતીએ શૈલેષ નાયકા અને આકાશ જયેશભાઇ પટેલની સામે ફરિયાદ નોંધાવી હતી. બીલીમોરા પોલીસે ફરિયાદી યુવતીની બળાત્કાર અને ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી ની કલમ મુજબ ફરિયાદ નોંધી હતી.