ગુજરાત માટે આગામી 3 દિવસ ભારે, મેઘરાજા મન મૂકીને વરસી પડશે…..જાણો ક્યાં ક્યાં શહેરોનો સમાવેશ ?

ગુજરાત માટે આગામી 3 દિવસ ભારે, મેઘરાજા મન મૂકીને વરસી પડશે

અમદાવાદ- મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી સપ્ટેમ્બર. 

રાજ્યમાં ચોમાસું મોડું બેઠું પણ હવે મેઘરાજા ધૂમ-ધડાકા સાથે રાજ્યમાં વરસી રહ્યો છે. રાજ્યમાં  આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે,  ગઈકાલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ સહિત વેરાવળ (37.6mm) સહિત, ઓખા (34.2mm) રાજકોટ (25.2mm) વરસાદ સાંજના સાડા પાંચ વાગ્યા સુધીમાં નોંધાયો. આગામી ત્રણ દિવસ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આજે રાજ્યના અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠેર-ઠેર વરસાદની સંભાવના છે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ થવાની આગાહી છે. જ્યારે વડોદરા, ભરુચ, સુરત, ડાંગ, તાપી અને દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને દીવમાં પડી શકે છે ભારે વરસાદ. આ તરફ આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર અને નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.

7 તારીખના રોજ વડોદરા, અમદાવાદ, ગાંધીનગરમાં સારા વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાતના સુરત, ભરુચ, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં પણ મન મૂકીને મેઘરાજા વરસી શકે છે.

8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, દ્વારકા, પોરબંદરની સાથે નવસારી, દાહોદ અને પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી છે. આ અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં હળવાથી ભારે વરસાદ રહેવાનો છે જ્યારે 9 તારીખથી શરુ થતા નવા અઠવાડિયા દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરાઈ છે.