પુલવામાં હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી અને જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર ગાઝી રશીદ અને કમાન્ડર કામરાન સહિત બે ને સેનાએ ઠાર માર્યા

Spread the love

શ્રીનગર, મિ.રિપોર્ટર, ૧૮મી ફેબ્રુઆરી 

પુલવામા હુમલામાં Central Reserve Police Force (CRPF)ના ૪૦ જવાનો આતંકવાદી હુમલામાં શહીદ થયા બાદ દેશભરના લોકોમાં ભારે જનઆક્રોશ ભભૂકી ઉઠ્યો છે, કેન્દ્રની સરકાર સમક્ષ પાકિસ્તાન સમર્થક આતંકવાદીઓનો ખાતમો બોલાવવાની માંગ ઉઠયા બાદ દેશની સેનાએ ગઈકાલે  જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના પિંગલિનામાં મોડી રાતથી ચાલી રહેલા એનકાઉન્ટરમાં સુરક્ષાદળોએ જૈશ એ મોહમ્મદના બે આતંકીઓને ઠાર કરી દીધા છે. જેમાં પુલવામા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર ગાઝી રશીદ અને કમાન્ડર કામરાન નો સમાવેશ થાય છે. જોકે  હજુ સુધી આ અહેવાલને સત્તાવાર પુષ્ટી  મળી નથી.  અત્રે ઉલ્લેખનીય છે કે, સેનાના જવાનોએ આતંકવાદીઓ જે ઇમારતમાં છુપાયા હતા તે ઇમારતને જ બોમ્બ વડે ઉડાવી દીધી છે.

તો બીજીબાજુ સેનાની કાર્યવાહી બાદ સ્થાનિક મીડિયા રિપોર્ટ્સના મતે કામરાન અને ગાઝી રશીદ પુલવામા હુમલા બાદ ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે એક આતંકી મોહમ્મદ આદિલ ડાર મરી ગયો હતો.  ગાઝી જૈશ એ મોહમ્મદના આતંકી સરદાર મસૂદ અઝહરનો સૌથી નજીકનો વિશ્વાસી સાથી છે. ગાઝીએ IED બનાવવા અને ગોરિલ્લા યુદ્ધની ટેક્નિક માટે તાલિબાન પાસે ટ્રેનિંગ લીધી હતી. આ કામ માટે જૈશ એ મોહમ્મદમાં તેને સૌથી ભરોસાપાત્ર ગણવામાં આવાતો હતો. આ ગાઝી જ પુલવામા હુમલા પાછળનો મુખ્ય કાવતરાખોર હતો.

આ અથડામણમાં 55 રાષ્ટ્રીય રાઇફલન્સના મેજર સહિત પાંચ જવાન શહીદ થયા છે. અથડામણ દરમ્યાન એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું. શહીદોમાં મેજર ડીએસ ડોન્ડિયાલ, હેડ કોન્સ્ટેબલ સેવરામ, સિપાહી ગુલઝાર અહમદ, સિપાહી અજય કુમાર અને સિપાહી હરિ સિંહ હતા. તમામ શહીદ જવાન 55 રાષ્ટ્રીય રાઇફલ્સના હતા.